સુરતઃ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતમાં આકાર પામ્યું છે. જેના નિર્માણનું 100 ટકા કામ પૂર્ણ થયું છે, હવે ડાયમંડ બુર્સના લોકાર્પણ માટે વડાપ્રધાનનો સમય માગવામાં આવ્યો છે. બીજીબાજુ આગામી પાંચમી જૂને ગણેશ સ્થાપના સાથે ટ્રેડિંગ હબના સભાસદોના એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ડાયમંડ બુર્સ(એસડીબી)ના 4200 ઓફિસના માલિકો સાથે પાંચમી જૂને ગણેશ સ્થાપના કરી મહાઆરતીનું આયોજન કરાયું છે. આ સાથે ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો શરૂ કરાયા છે. દેશ અને વિદેશના 4 હજારથી વધુ વેપારીઓએ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. સુરતમાં નિર્માણ થયેલા આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ બન્યુ છે. મુંબઈના ડાયમંડ બુર્સ કરતાં ચાર ગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. વિશ્વના 175 દેશોમાંથી વેપારીઓ અહીં હીરાની ખરીદી કરવા માટે આવશે.
ડાયમંડ બુર્સના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં ડાયમંડ બુર્સના નિર્માણમાં અત્યાધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધવાની સાથે આંતરારાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિગના માપદંડને આધારે બિલ્ડિગનું બાંધકામ કરાયું છે. આ પ્રોજેક્ટમાં સોલાર પાવરથી લઇને પર્યાવરણલક્ષી તમામ બાબતોનું ઝીણવટપૂર્વક ધ્યાન રખાયું છે. બુર્સ નિર્માણનું 100 ટકા કામકાજ પૂર્ણ થયું છે બુર્સની 300, 500 અને 1000 સ્કે. ફૂટની ઓફિસોમાં ફર્નિચર કરાવવા માટે ઓફિસ માલિકોને સોંપી દેવાઇ છે. 5મી જૂને ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન કરાયું છે. બુર્સના 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 5મી ડિસેમ્બર 2017એ સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2022માં તેનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરી દેવાયું છે. સુરત હીરા બુર્સનો ડાયમંડ આકારનો પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર છે. બુર્સનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવા માટે હીરાઉદ્યોગકારો ઉત્સુક છે. અને વડાપ્રધાનનો સમય માગવામાં આવ્યો છે. (File photo)