Site icon Revoi.in

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે વધારે ઝડપથી આગળ વધશે

Social Share

મુંબઈઃ રાજ્ય સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને તમામ મંજૂરીઓ આપી દીધી છે જેથી પ્રોજેક્ટને ઝડપી બનાવી શકાય. તેમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયાના ગણતરીના દિવસોમાં જ પ્રોજેક્ટને તમામ પ્રકારની મંજૂરીઓ આપવામાં આવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અગાઉની મહા વિકાસ આઘાડી (MVA) સરકારે આ પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે કોઈ પગલાં લીધા ન હતા.

કેબિનેટની બેઠક બાદ ફડણવીસે કહ્યું હતું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ પ્રોજેક્ટને તમામ મંજૂરી આપી દીધી છે. બાકી રહેલા મુદ્દાઓ જંગલની મંજૂરી અને જમીન સંપાદન સાથે સંબંધિત છે. છેલ્લા કેટલાક દિવસોમાં શિંદેએ પ્રોજેક્ટ સાથે સંબંધિત લાંબા સમયથી પડતર મુદ્દાઓને દૂર કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) એ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક પ્લોટ પર સ્થિત BPCLના પેટ્રોલ પંપને શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી કરીને અંડરગ્રાઉન્ડ ટર્મિનસ બનાવી શકાય.

તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના પાલઘરમાં આશરે 1.2 હેક્ટર જમીન ગયા અઠવાડિયે પ્રોજેક્ટ માટે સોંપવામાં આવી છે જે પહેલા મહિનાઓથી અટકી હતી. આ સાથે, સમગ્ર પ્રોજેક્ટ માટે 90.56 ટકા જમીન (ગુજરાતમાં 98.8 ટકા અને દાદરા નગર હવેલીમાં 100 ટકા અને મહારાષ્ટ્રમાં 72.25 ટકા) સંપાદિત કરવામાં આવી છે. 12 જુલાઈના રોજ યોજાયેલી સમીક્ષા બેઠકમાં, સરકારે સપ્ટેમ્બર સુધીમાં BKC ભૂગર્ભ સ્ટેશન (4.84 હેક્ટર જમીન) અને વિક્રોલી (3.92 હેક્ટર) ખાતે ટનલ શાફ્ટના સ્થળાંતર સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનું વચન આપ્યું છે.

(Photo-File)