Site icon Revoi.in

મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં તાડના વૃક્ષો પરથી તાડફળી તોડીને રોજગારી મેળવતા શ્રમજીવીઓ

Social Share

વડોદરાઃ મહીસાગર જિલ્લાના તમામ શહેરોના બજારોમાં શરીરને શીતળતા આપતી તાડફળીનું આગમન થયું છે. ઉનાળાની ગરમીથી જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આવા ગરમીના સમયમાં રાહત મેળવવા માટે જિલ્લાવાસીઓ શીતળતા આપતા ફળોનો આશરો લઈ રહ્યા છે. અહીંના બજારોમાં હાલમાં તાડગોટી એટલે કે તાડફળી વેચાતી બજારમાં જોવા મળી રહી છે.

મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં આવેલા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તાડના વૃક્ષો છે. હાલમાં તેના પર ફળ લાગવાની સિઝન ચાલી રહી છે. ઝાડ ઉપર લાગતા ફળને તાડગોટી કે તાડફળી કહેવામાં આવે છે. આ ફળ ખાવામાં ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. પેટની ગરમીને શાંત કરવા વાળું ફળ છે. વેપારીઓ દ્વારા ગોધરા પંથકમાંથી તાડફળી મગાવવામાં આવે છે.

જિલ્લાના નગરોમાં સવારથી જ લારીઓમાં તાડફળી વેચનારાઓ જોવા મળી રહ્યા છે. હાલમાં તાડફળી 80થી 100 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે. તાડના વૃક્ષ ઉપર લાગતા તાડગોટીનું ફળ મોટું હોય છે તેને કાપવામાં આવે છે અને તેમાંથી 3થી 4 ગોટલી નીકળે છે. ઉનાળાની ગરમીમાં આ ફળને ખાવાથી પેટમાં ઠંડક અનુભવાય છે. તાડફળીમાં સોડિયમ, કાર્બોહાઈડ્રેટ, ચરબી, સુગર, પ્રોટિન, તાંબુ અને વિટામીન B6 જેવા ઘણા પોષકતત્વો સમાયેલા હોય છે, જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. વધુમાં આ ફળ ફાઈબરયુક્ત હોવાથી પેટ દર્દ, કબજિયાતમાં ફાયદો કરે છે અને લિવરને સુરક્ષિત રાખે છે. આ તાડફળી પેટ દર્દ માટે ફાયદાકારક અને લિવરને સુરક્ષિત રાખે છે.