Site icon Revoi.in

સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગના શ્રમિકોને હવે દર સપ્તાહે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે

Social Share

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કેટલાક આકરાં નિર્ણયો કર્યા હતા. જેમાં હવે કાપડ-હીરા ઉદ્યોગ માટે, સ્કૂલો માટે, હોટેલ-રેસ્ટોરન્ટ, જીમ સહિતના સ્થળોએ નિયમોની સખત અમલવારી કરાશે. તમામ શ્રમિકોનો દર સપ્તાહે કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગોમાં હજારો લોકો કામ કરે છે. હવે, દર સપ્તાહમાં અહીં કામ કરતા લોકોએ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને મ્યુનિ.કોર્પો.ની ટીમો દ્વારા તેનુ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે. ખાસ કરીને, જે લોકોને એક પણ વાર કોરોના થયો નથી તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ઉપરાંત સ્કૂલો માટે સમયાંતરે મ્યુનિએ નિર્ણયમાં ફેરબદલ કર્યા છે. અગાઉ કેસ આવે તો આખી સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાતી. ત્યારબાદ જે વર્ગમાં ભણતો વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તે કલાસ જ બંધ કરવામાં આવતો હતો પણ છેલ્લા બે દિવસથી ત્રણ થી ચાર સ્કૂલોના વિદ્યાર્થીઓ સતત પોઝિટિવ આવતા હોવાના કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

શહેરમાં  હોટલ, રેસ્ટોરન્ટ અને જીમમાં હવે એસી ચાલુ રાખવા માટે મ્યુનિએ મનાઈ ફરમાવી છે. મ્યુનિના અધિકારી સુત્રોનું કહેવું છે કે, આવા તમામ સ્થળોએ વેન્ટીલેશન રાખવું જરૂરી છે. જયાં વેન્ટીલેશન નહીં હોય ત્યાં જે તે એકમ બંધ કરવા સુધીના પગલાં પણ લેવાશે. આ અંગે મ્યુનિની ટીમો ચેકીંગ પણ કરશે. વેન્ટીલેશન ન હોય અને એસી ચાલુ હોય તો સંક્રમણનો ખતરો વધી શકે છે. ઉપરાંત લગ્નો સહિત સામાજિક મેળાવડાઓમાં પણ  હવે સખતાઈ કરાશે. નિયમ પ્રમાણે, 400થી વધુ લોકો હશે ત્યાં કાર્યવાહી કરાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવા કાર્યક્રમોમાં પણ ટેસ્ટિંગ ફરજિયાત કરાશે.(file photo)