અમદાવાદઃ ગુજરાતના તમામ જિલ્લાઓ અને આઠ શહેરના કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રમુખઓની અગત્યની સંવાદ બેઠક રવિવારે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સંગઠન સહપ્રભારી ઉષા નાયડુજી, રામકિશન ઓઝાજી અને બી.એમ. સંદીપજી ઉપસ્થિત રહ્યાં હતાં.
શહેર-જિલ્લાના કોંગ્રેસ પ્રમુખોની ‘સંવાદ બેઠક’માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પક્ષમાં કામ કરનારાને મહત્વ મળશે. નેતા આધારે નહિ પણ પક્ષની વિચારધારા માટે જે અસરકાર અને મજબૂતીથી કામ કરશે તેઓને મહત્વ અપાશે. કોંગ્રેસ પક્ષની વિચારધારાને વધુ લોકો સુધી પહોંચાડનારા માટે સ્થાનિક જનસંપર્ક મહત્વનો છે. વિવિધ ક્ષેત્રોમાં સ્થાનિક કક્ષાએ કામ કરનારાને પક્ષમાં જોડીને મજબૂત કરવી સમયની માંગ છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈને જનતા મદદકર્તા કોંગ્રેસ સંગઠન અને જવાબદારી સાથે જવાબદારી પર તમામ કક્ષાએ જરૂરી છે, જે તમામના સહયોગથી સફળ બને છે. કામ કરશે તેને સંગઠનમાં મહત્વ રહેશે. કામ ના કરનારાને પદ છોડી દેવું જોઈએ. કામની વહેંચણી અને જવાબદારી નક્કી કરાશે. સામાજીક અને રાજકીય કાર્યક્રમ કરવા અને જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે જરૂરી છે. દરેક પ્રભારીએ પ્રવાસ કરવો પડશે. અને જે ચૂંટણી લડેલાઓને સક્રિય કરીને સંગઠનના કામમાં જોડવા પડશે.
તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પક્ષના જુના માણસોને સક્રિય કરવા જરૂરી છે. બદલાવ દેખાશે, બદલવા માટે આપણે સૌએ તૈયારી રાખવી પડશે. તમામના યોગદાનથી એક પણ રૂપિયાના પ્રદેશ સમિતિ તરફથી ખર્ચ વિના- ગાંધી આશ્રમથી પદયાત્રા યોજાઈ જે તમામના સહયોગથી સફળ બની. આ તાકાત સંગઠન જિલ્લા / શહેર મજબૂતીથી કામ કરે, આવતીકાલે સંગઠનને મહત્વ મળશે. જે પક્ષના સંગઠનમાં સમય આપીને કોંગ્રેસ માટે અસરકારક કામગીરી કરે છે તેઓની રાજકીય કારકિર્દીની ચિંતા પ્રદેશ કોંગ્રેસ કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કુલદીપ શર્મા, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ સંગઠન લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખ બિમલ શાહ, મહામંત્રી નઈમ મિરઝા, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી મહત્વની સંવાદ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.