નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા જતા પહેલા પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. તેમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ હાજર હતા. ગંભીર અને અગરકરે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમની કેપ્ટનશિપ, વિરાટ કોહલી અને રોહિત શર્માનું ભવિષ્ય, મોહમ્મદ શમીની વાપસી, ટીમ ઈન્ડિયાનો સપોર્ટ સ્ટાફ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાને કેપ્ટન ન બનવવા જેવા દરેક મોટા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
સૂર્યકુમારને શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. તે ODI શ્રેણીનો ભાગ નથી. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં સંકેત આપ્યો કે સૂર્યા માત્ર T20માં જ તેમની યોજનાનો ભાગ છે. ગૌતમ ગંભીરે કહ્યું, “રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ સાથે અમે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છીએ. સૂર્યકુમાર ODI પ્લાનનો ભાગ નથી. તે માત્ર T20 ખેલાડી છે.”
ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફ વિશે ગૌતમ ગંભીરે કહ્યું, “ભારત-શ્રીલંકા સિરીઝ પછી અમારી પાસે એક મહિનો છે. મેં અભિષેક (નાયર) અને રેયાન (રેયાન ટેન ડ્યુશ) સાથે કામ કર્યું છે અને એક મહિનાની અંદર નિર્ણય લેવામાં આવશે. મારી પાસે અન્ય લોકોના ફીડબેક છે અને હું ખરેખર તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું.
રોહિત અને કોહલી વિશે ગંભીરે કહ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બતાવ્યું છે કે તેઓ મોટા મંચ પર શું કરી શકે છે. બંનેમાં ઘણું ક્રિકેટ બાકી છે. આશા છે કે તેઓ 2027ના વર્લ્ડ કપ સુધી સારું પ્રદર્શન કરી શકશે. કોઈપણ ટીમ તેમને લેવા માંગે છે અને તેમનામાં ઘણી ક્રિકેટ બાકી છે. તેમણે બુમરાહને લઈને કહ્યું કે, બુમરાહ જેવા કોઈપણ ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે. તે એક દુર્લભ બોલર છે.
વિરાટ સાથેના આઈપીએલના અણબનાવને લઈને પૂછવામાં આવેલા સવાલને લઈને ગૌત્તમ ગંભીરે જણાવ્યું હતું કે, મારો સંબંધ અંગત છે. “અત્યારે અમે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. મેદાન પર અમારો ઘણો સારો સંબંધ છે. ક્યારેક તમને લાઈમલાઈટ જોઈએ છે અને તે TRP માટે સારું છે.” પ્રેસ કોન્ફરન્સથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે યુવા બેટ્સમેન શુભમન ગિલને ત્રણેય ફોર્મેટમાં તક આપવામાં આવશે.