વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસઃ ગુજરાત સરકારે એક વર્ષમાં 155 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ અપાવી
અમદાવાદઃ રાજ્ય સરકારની શ્રમ આયુક્તની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨માં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે 1278 જેટલા છાપા મારીને 127 બાળકો તેમજ 28 તરૂણો સહિત 155 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યાં છે. વર્ષ 2023માં પણ આ અભિયાન ચાલુ જ છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા દર વર્ષે 12મી જૂનને બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. બાળ મજૂરીમાં રોકાયેલા બાળકોની દુર્દશાને પ્રકાશિત કરવાના હેતુથી વર્ષ 2002માં પ્રથમ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.
આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. આ હકીકતને ધ્યાને રાખીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં બાળ શ્રમયોગી અધિનિયમના સફળ અમલીકરણ માટે રાજ્યમાં સૌપ્રથમ વખત વર્ષ 2009માં ‘બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી’ માટે “સ્ટેટ એક્શન પ્લાન ફોર એલિમીનેશન ઓફ ચાઇલ્ડ લેબર સિસ્ટમ” બનાવવામાં આવી હતી. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળ અને કિશોર શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-1986નું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે.
બાળ મજૂરીનું મુખ્ય કારણ આર્થિક-સામાજિક સમસ્યા છે. યુનિસેફના મત મુજબ, બાળકોને નોકરી એટલા માટે રાખવામાં આવે છે કારણ કે તેમનું સરળતાથી શોષણ થઈ શકે છે. સામાન્ય રીતે પ્રથમ કારણ ગરીબી છે, જેના કારણે બાળકો તેમની ઉંમરના પ્રમાણમાં સખત મહેનત કરે છે. પરંતુ આ સિવાય વસ્તી વિસ્ફોટ, સસ્તી મજૂરી, ઉપલબ્ધ કાયદાઓનો અમલ ન કરવો, બાળકોને શાળાએ મોકલવામાં માતા-પિતાની અનિચ્છા પણ જવાબદાર છે. ઘણા કિસ્સામાં માતા-પિતા કે વાલીઓ તેમના બાળકોને શાળાને બદલે કામ પર મોકલવાનું પસંદ કરે છે, જેથી કુટુંબની આવકમાં વધારો થઈ શકે.
14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામે રાખવા ગેરકાયદેસર છે; જોકે આ નિયમમાં કેટલાક અપવાદો છે, જેમ કે કૌટુંબિક વ્યવસાયમાં કામ કરતા બાળકો જ્યારે શાળાએથી પાછા ફરે ત્યારે અથવા ઉનાળાના વેકેશન દરમિયાન, બાળ કલાકારોને ફિલ્મોમાં કામ કરવાની છૂટ છે, તેઓ રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકે છે. જો કાર્યસ્થળ જોખમી વ્યવસાય કે તેની સૂચિમાં સમાવિષ્ટ પ્રક્રિયામાં સમાવિષ્ટ ન હોય તો 14થી 18 વર્ષની વયજૂથના કિશોરોને નોકરી આપી શકાય છે.