વિશ્વ ચકલી દિવસઃ હાલના ઝડપી યુગમાં આધુનિકીકરણ-શહેરીકરણના કારણે ચકલીની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે
અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે દર વર્ષે 20 માર્ચના રોજ “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ ચકલી દિવસ 2010માં વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવ્યો હતો. ચકલી એટલે નાના બાળકોનું પ્રિય પક્ષી અને બાળપણની યાદોને તાજી કરતું પક્ષી. એ જ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે.
માનવ દ્વારા નિર્મિત ઘરોની આસપાસ રહેવું ચકલીઓને ખુબ જ પ્રિય છે. ગામડાના ખેતરો આસપાસ ચકલીઓ ખુબ મોટી સંખ્યામાં જોવા મળે છે. ચકલી પર લખેલ કવિ રમેશ પારેખની ઉપરોક્ત પંક્તિઓ પરથી ઘરના ફળિયામાં ચકલીનું બેસવું એ રજવાડું શબ્દો સૂચવે છે કે, પર્યાવરણ માટે ચકલી જેવા નાના પક્ષીનું પણ ખુબ મહત્વ છે. પર્યાવરણનું બેરોમીટર એટલે “ચકલી” કે જ્યાં સૌથી સુંદર વાતાવરણ હોય ત્યાં ચકલીઓ રહેવાનું વધુ પસંદ કરે છે. આ ઉપરાંત ધર્મગ્રંથોમાં પણ ચકલીનું મહત્વ દર્શાવ્યું છે. શીખોના ધર્મગુરુ નાનક સાહેબ ખેતરની રખેવાળી કરતા ત્યારે તેમના ખેતરની આસપાસના ખેડૂતો ખેતરમાં આવતા પક્ષીઓને ઉડાડતા હતા, જ્યારે ગુરુનાનક સાહેબ પક્ષીઓને ખેતરમાંથી દૂર રાખવાને બદલે ‘‘ખાલો ચીડીયા ભર ભર પેટ…” કહીને નિમંત્રણ આપતા હતા. વિશ્વભરમાં ચકલીની ચાલીસથી વધુ પ્રજાતિ છે. જેમાં હાઉસ સ્પેરો, સ્પેનીશ સ્પેરો, સિંડ સ્પેરો, ડેડ સી સ્પેરો, ટ્રી સ્પેરો, તેમજ વિવિધ દેશના વાતાવરણ પ્રમાણે જોવા મળતી સોમાલી, પિંકબેક, લાગો, શેલી, સોકોત્રા, ક્યુરી, કેપ, નોર્થન ગ્રે હેડેડ, સ્વાંસો, સ્વાહિલી, ડેઝર્ટ, સુડાન ગોલ્ડ, અરેબિયન ગોલ્ડ, ચેસ્ટનટ સહિતની પ્રજાતિઓ જોવા મળે છે.
હાલના ઝડપી યુગમાં આધુનિકીકરણ અને શહેરીકરણના કારણે દિવસે ને દિવસે ચકલીની પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે. ચકલીના સંરક્ષણ માટે મહારાષ્ટ્રના નાસિકના રહેવાસી મોહમ્મદ દિલાવરે વર્ષ 2008માં ‘ધ નેચર ફોરએવર સોસાયટી’ની સ્થાપના કરી હતી. તેમણે ચકલી સંરક્ષણ કરવાની પહેલ તેમના ઘરમાં રહેતી ચકલીઓને બચાવવાથી કરી હતી. ગુજરાતમાં પણ વર્ષ 2008થી અમદાવાદના શ્યામલ વિસ્તારમાં રહેતા જગતભાઇ કીનખાબવાળા દ્વારા “ચકલી બચાવો અભિયાન” શરુ કરાયું હતું. આ ઉપરાંત આ અભિયાન થકી રાજ્યના અનેક જિલ્લાઓમાં ચકલીના માળાઓ, પાણી પીવા માટે કુંડાઓનું વિતરણ અને ખાવા માટે બાજરી અથવા કણકીના દાણાની વ્યવસ્થા કરાય છે.
ચીં…..ચીં…..સ્વરોથી સંપૂર્ણ વાતાવરણમાં ગુંજન કરતી ચકલીઓને સાંભળી શકીએ અને ભારત દેશને “સોને કી ચીડિયા”ની ઉપમાનું મુલ્ય સમજી ચકલીની પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા અથાગ પ્રયત્નો કરીએ.