વર્લ્ડ કપ 2023, ભારતીય ટીમની જાહેરાત, અક્ષર પટેલના સ્થાને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ
નવી દિલ્હીઃ ભારતની યજમાનીમાં યોજાનારી વન-ડે વર્લ્ડ કપ 2023ની આખરી તૈયારીઓ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. પરંતુ તે પહેલા તમામ 10 ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. તમામ 10 દેશોએ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ આ ટીમમાં ફેરફારની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ગુરૂવારે પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે અને અંતિમ ટીમ જાહેર કરી દીધી છે. ઈજાગ્રસ્ત સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને બહાર કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરાયો છે. તાજેતરમાં જ અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં પણ તક આપવામાં આવી હતી. જ્યાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે અક્ષર સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે સુધી પણ ફિટ થઈ શક્યો ન હતો.
સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને ભારતની વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ અશ્વિનનો સમાવેશ કરાયો છે. અક્ષર પટેલ ઈજામાંથી બહાર આવી શક્યો નથી. ICCએ ગુરુવારે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. ગુરુવારે વર્લ્ડ કપ ટીમમાં ફેરફારનો છેલ્લો દિવસ હતો. અક્ષર પટેલને ઈજામાંથી બહાર આવતાં ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગશે. 29 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ એશિયા કપની સુપર-4 લીગ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારપછી તેના સાજા થવાના પ્રયાસો થઈ રહ્યા હતા, પરંતુ તે સ્વસ્થ થઈ શક્યો ન હતો. અને ઈજાના કારણે અક્ષરના ટીમની બહાર થવાની શક્યતા પહેલેથી જ હતી. આવી સ્થિતિમાં અક્ષરની જગ્યાએ વોશિંગ્ટન સુંદર પણ ટીમમાં પસંદગીની રેસમાં હતો, પરંતુ પસંદગીકારોએ અશ્વિનના અનુભવને મહત્વ આપ્યું છે.
37 વર્ષીય અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીમાં 2 મેચ રમી હતી અને 4 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ રાજકોટ વન-ડેમાં સિનિયર્સને તક આપી હતી, પરંતુ અક્ષર તે સમયે ફિટ થઈ શક્યો ન હતો. તેથી વર્લ્ડ કપની ટીમમાં અશ્વિનની એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવી રહી હતી. ભારતીય ટીમે વર્લ્ડ કપ પહેલા 2 પ્રેક્ટિસ મેચ રમવાની છે. ટીમને તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ માટે અશ્વિન સહિત આખી ટીમ ગુવાહાટી પહોંચી ગઈ છે.