અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આસીસી વર્લ્ડકપનો મહામુકાબલો યોજાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતના નવ ખેલાડીઓ પાસે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવાનો અનુભવ છે. 2015 અને 2019માં વિશ્વકપમાં પાકિસ્તાન સામેની જીતમાં ભારતના વિસ્ફોટક બેસ્ટમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલી વર્ષ 2015માં 107 રન બનાવીને મેન ઓફ ધ મેચ રહ્યો હતો, જ્યારે 2019માં રોહિત શર્માએ 140 રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલી છેલ્લા 3 વિશ્વકપમાં પાકિસ્તાન સામે રમી ચુક્યો છે. જેમાં વર્ષ 2011માં સેમિફાઈનમાં પાકિસ્તાન સામે 9 રન, 2019માં 77 રન બનાવ્યાં હતા. હાલની ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા એવા બે ખેલાડી છે જે વિશ્વકપમાં પાકિસ્તાન સામે બે કરતા વધારે મેચ રમી ચુક્યાં છે. રોહિત શર્માએ વર્ષ 2015માં પાકિસ્તાન સામેની મેચમાં 15 રન બનાવ્યાં હતા. વર્તમાન ભારતીય ટીમમાં સામેલ રવિન્દ્ર જાડેજા (2015), આર.અશ્વિન (2015), મોહમ્મદ શમી (2015), કે.એલ.રાહુલ (2019), હાર્દિક પંડ્યા (2019), કુલદીપ યાદવ (2019), જસપ્રીત બુમરાહ (2019)માં વિશ્વકપમાં પાકિસ્તાન સામે રમી ચુક્યાં છે. વર્ષમાં શમીએ પાકિસ્તાન સામે 35 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. કે.એલ.રાહુલે 2019માં 57 પન બનાવ્યાં હતા. કુલદીપ યાદવે 2019માં 32 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
દરમિયાન, કેપ્ટન બાબર આઝમ સહિત પાંચ પાકિસ્તાની ક્રિકેટરોને 2019 વર્લ્ડ કપમાં ભારત સામે રમવાનો અનુભવ છે. આ ક્રિકેટરોમાં બાબર આઝમ, ફખર ઝમાન, ઇમામ ઉલ હક, શાદાબ ખાન અને હસન અલીનો સમાવેશ થાય છે. 2019 વર્લ્ડ કપ મેચમાં બાબરે 48 રન અને ફખર ઝમાને 62 રન બનાવ્યા હતા. ઈમામ સાત રન બનાવી શક્યો હતો. હસન અલી અને શાદાબ ખાન ઘણા મોંઘા સાબિત થયા હતા. હસને નવ ઓવરમાં 84 રન આપ્યા હતા જ્યારે શાદાબે નવ ઓવરમાં 61 રન આપ્યા હતા.