Site icon Revoi.in

વર્લ્ડકપ ફાઈનલઃ અમદાવાદના સ્ટેડિયમમાં વિવિધ રંગારંગ કાર્યક્ર્મો યોજાશે

Social Share

અમદાવાદઃ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. બંને ટીમો પણ ફાઈનલને લઈને તૈયારીઓ કરી લીધી છે. BCCIએ પણ મેચને યાદગાર બનાવવાની તૈયારી કરી લીધી છે. BCCI અનુસાર, મેચ પહેલા ભારતીય વાયુસેનાની એરોબેટિક ટીમ સૂર્ય કિરણનો એર શો કરશે. ટોસ પછી તરત જ બપોરે 1:35 વાગ્યે ઇવેન્ટ શરૂ થશે. એર શો 15 મિનિટ સુધી ચાલશે અને બપોરે 1:50 વાગ્યે સમાપ્ત થશે. આ માટે સૂર્ય કિરણ ટીમે પ્રેક્ટિસ પણ કરી હતી.

મેચ દરમિયાન પ્રથમ દાવમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન ગાયક આદિત્ય ગઢવી પરફોર્મ કરશે. આ પછી, મેચની પ્રથમ ઇનિંગ સમાપ્ત થયા પછી, પ્રખ્યાત સંગીતકાર પ્રિતમ ચક્રવર્તીનો કાર્યક્રમ યોજાશે. તેમના સિવાય પ્રખ્યાત ગાયિકા જોનીતા ગાંધી, નકાશ અઝીઝ, અમિત મિશ્રા, આકાશ સિંહ અને તુષાર જોશી પણ પરફોર્મ કરશે. બીજી ઇનિંગમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન લેસર અને લાઇટ શોનું આયોજન કરવામાં આવશે.

BCCI દ્વારા 1975 થી 2019 સુધીના તમામ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોને ખાસ બ્લેઝર પણ આપશે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્લાઈવ લોઈડ (1975 અને 1979), ભારતના કપિલ દેવ (1983), ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર (1987), ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો (1999), રિકી પોન્ટિંગ (2003 અને 2007), ભારતના મહેન્દ્ર ધોની (2011) , ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લાર્ક (2015), ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગન (2019) બધાને આમંત્રિત કરવામાં આવ્યા છે. જોકે, એ સ્પષ્ટ નથી કે શ્રીલંકાના 1996 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગા અને પાકિસ્તાનના 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કે નહીં.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલને નીહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. વર્લ્ડકપ ફાઈનલને લઈને આઈસીબી, બીસીસીઆઈ અને જીએસએ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.