વિશ્વના મોટાભાગના દેશો આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પ્રદુષણને અટકાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ફરી એકવાર લોકોમાં સાયકલનું લચણ વધી રહ્યું છે. ત્યારે આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ભારત સહિત દુનિયાભરમાં વર્ષ 2018થી દર 3 જૂનથી સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે 3 જૂને વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ સાયકલનું મહત્વ સમજાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે. આ વર્ષથી થીમ ‘ટકાઉ ભવિષ્ય માટે એકસાથે સવારી’ છે. આ વર્ષે છઠ્ઠો ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 3 જૂન, 2018 ના રોજ વિશ્વ સાયકલ દિવસ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો હતો. દરરોજ લગભગ અડધો કલાક સાયકલ ચલાવવાથી સ્થૂળતા, હૃદયરોગ, ડાયાબિટીસ, સંધિવા અને માનસિક બીમારી જેવા અનેક રોગોથી રક્ષણ મળે છે.
યુનાઈટેડ નેશન્સ અનુસાર, આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વભરના દેશોને વિવિધ વિકાસ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે, રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતીને પણ પ્રોત્સાહન આપવાનું છે. તેમાં લોકોમાં સાયકલનો વ્યાપ વધારવા અને તેના ફાયદાઓ વિશે માહિતી આપવાનો સમાવેશ થાય છે. જેથી લોકો સાયકલ ચલાવવાને તેમના જીવનનો એક ભાગ બનાવી શકે.