વર્લ્ડ ઇનોવેશન ડેઃ રાજ્યમાં પ્રથમવાર “ગૂડ, રેપ્લીકેબલ એન્ડ ઇનોવેટીવ પ્રેક્ટીસીસ સમિટ”નું આયોજન
અમદાવાદઃ આજે 21મી એપ્રિલ એટલે કે “વર્લ્ડ ઇનોવેશન ડે” નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવતા વિવિધ ઇનોવેટીવ વિચારોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રથમવાર “ગૂડ, રેપ્લીકેબલ એન્ડ ઇનોવેટીવ પ્રેક્ટીસીસ સમિટ(GRIP Summit)નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી પ્રી-ગ્રીપ સમિટનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે, માનવ જીવનને સરળ અને સહજ બનાવવા માટે કોઈપણ ક્ષેત્રે ઇનોવેશન અને ડીસ્કવરીનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. આજે નાના-નાના પરંતુ અતિમહત્વના ઇનોવેશનના પરિણામે આરોગ્ય સહિતના ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ગુજરાત સહિત દેશના યુવાનોના ઇનોવેટીવ વિચારોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં “અટલ ઇનોવેશન યોજના” અમલમાં મૂકી હતી. આ યોજનાના પરિણામે દેશના અનેક યુવાનોના સપનાઓને પાંખ મળી છે. રાજ્ય સરકાર પણ આજે યુવાનોના ઇનોવેટીવ આઈડીયાને પ્રોત્સાહન આપી માર્કેટ સુધી લઇ જવા સુધીની તમામ સુવિધાઓ પૂરી પાડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય સેવાઓ પૂરી પાડવા, આરોગ્ય કાર્યક્રમોના અમલીકરણ અને જાહેર આરોગ્યના સુદ્રઢીકરણ માટે વિવિધ સ્તરે અનેક નવતર પ્રયોગ થઇ રહ્યા છે, અને ઉદાહરણ રૂપે અનેક સાફલ્યગાથાઓ પણ જોવા મળે છે. આવી બેસ્ટ પ્રેકટીસને ઓળખવાથી, બિરદાવવાથી તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં ૫ણ સેવાઓ ઉપલબ્ધ કરાવવાથી આરોગ્ય સેવાની અસરકારકતા અને કાર્યદક્ષતામાં વધારો થશે. આ પ્રી-ગ્રીપ સમિટ આગામી સમયમાં આરોગ્ય અને તબીબી ક્ષેત્રે ઇનોવેશન અંગેની સંવેદનશીલતામાં વધારો કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે ગૂડ એન્ડ રેપ્લીકેબલ પ્રેક્ટીસ – ગ્રીપ સમિટનું આયોજન કરવામાં આવે છે.એનાજ તર્જ ઉપર રાજયકક્ષાએ ૫ણ સૌપ્રથમવાર નવતર પ્રયોગો અને શ્રેષ્ઠ પ્રયાસો વધુ લોકો સુધી પહોંચે તે માટે ‘‘GRIP સમિટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં રાજ્યમાં કરવામાં આવેલા નવતર પ્રયોગોમાંથી પસંદ થયેલ બેસ્ટ પ્રેક્ટીસીસને બિરદાવવામાં આવશે.