અમદાવાદઃ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશીપમાં ભારત સહિત 46 દેશના 230 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ટુર્નામેન્ટની મુલાકાત લઈ ખેલાડીઓનું મનોબળ વધાર્યુ હતુ.
ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારત સહિત 46 દેશના 230 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ડેસ ઈચેક્સની આગેવાની હેઠળ ગુજરાત ચેસ એસોસિયેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ ચેસ ટુર્નામેન્ટની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. વિદેશથી ભારતના મહેમાન બનેલા ચેસના ખેલાડીઓએ ચેસમાં વિશ્વભરમાંથી મેડલો જીત્યા છે ત્યારે તેમનો ઉત્સાહ વધારવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગિફ્ટ સિટી પહોંચ્યા હતા.
ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યુ કે ગુજરાત પ્રથમ વખત વિશ્વ ચેસ ચેમ્પિયનશીપનું સફળ આયોજન કરી રહ્યુ છે ત્યારે ગુજરાતના વિચારો અને સંસ્કૃતિને દેશ-દુનિયા સુધી પહોંચાડવાનું આ ઉત્તમ પ્લેટફોર્મ છે. આગામી વર્ષોમાં પણ ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના આયોજન કરાશે.