વિશ્વ સિંહ દિવસઃ ગીરમાં એશિયાટિક સિંહની વસ્તીમાં ઉત્તરોત્તર થયો નોંધપાત્ર વધારો
દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. દુનિયામાં સિંહની સતત ઘટતી વસ્તી અને તેના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર એશિયામાં એક માત્ર ભારતના ગુજરાતના ગીર જંગલમાં સાવજો વસવાટ કરે છે. જ્યારે હાલ આફ્રિકાના 21થી વધારે દેશમાં વનરાજોની હાજરી જોવા મળે છે. ગીર જંગલ વિસ્તારમાં 31મી ડિસેમ્બર 2021ની સ્થિતિએ 674 જેટલા સાવજો હતા. હાલ સાવજોની સંખ્યા વધીને 1200 થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
એશિયાટિક સિંહ ભારતમાં જોવા મળતી પાંચ મોટી બિલાડીઓમાંની એક છે ઉપરાંત અન્ય ચાર પ્રજાતિની વાત કરવામાં આવે તો રોયલ બંગાળ વાઘ, ભારતીય ચિત્તો, વાદળ ચિત્તો અને સ્નો ચિત્તાનો સમાવેશ થાય છે. વર્ષો પહેલા સિંહો એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપમાં મુક્તપણે ફરતા હતા. જો કે, છેલ્લા 100 વર્ષમાં તેમની વસ્તીની ઐતિહાસિક શ્રેણીમાં 80 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. વનરાજો હાલમાં 25 થી વધુ આફ્રિકન દેશો અને એક એશિયન દેશમાં અસ્તિત્વ ધરાવે છે. એક સર્વે મુજબ, તેમની સંખ્યા અંદાજે 30,000 થી ઘટીને લગભગ જેટલી 20,000 હોવાનું મનાઈ રહ્યું છે.
ભારતમાં જોવા મળતા એશિયાટિક સિંહો મોટે ભાગે પ્રતિબંધિત ગીર ફોરેસ્ટ અને નેશનલ પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. આખા એશિયાખંડમાં માત્ર ગુજરાતના ગીર જંગલ વિસ્તારમાં જ સાવજોની હાજરી જોવા મળે છે. વર્ષો પહેલા અરબસ્તાનથી સુમાત્રા સુધી સિંહ જોવા મળતા હતા. તે સમયે તેની ત્રણ પ્રજાતિ હતી. બંગાળના સિંહ, અરેબિયન સિંહ અને ઈરાનના સિંહ, જો કે, સમયની સાથે સાવજોની સંખ્યામાં પણ સતત ઘટાડો થયો હતો અને હવે ભારતના થોડા વિસ્તારમાં સિંહ જોવા મળે છે. આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તેના આકારમાં નાના અને રંગ ઝાંખો હોય છે પરંતુ આક્રમકતામાં બંને પ્રજાતિ એક સમાન છે.
એક અંદાજ અનુસાર એશિયાટીક સિંહ ભારતમાં લગભગ 50 હજાર વર્ષથી પહેલા પ્રવેશ્યા હતા. 1880 અને 1890 સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં સાવજો લુપ્ત થવા લાગ્યાં હતા. તેમજ સાવજોનો વસવાટ માત્ર ગીર જંગલ પુરતો મર્યાદિત રહી ગયો હતો. પહેલા સાવજોનો શિકાર કરવામાં આવતો હતો પરંતુ 1911થી અહીં વનરાજોના શિકાર ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. વર્ષ 1913માં જૂનાગઢના મુખ્યવન અધિકારી તરફથી કરવામાં આવેલી નોંધ અનુસાર તે સમયે વધારેમાં વધારે 20 સાવજો હયાત હશે. જો કે, સિંહના સંરક્ષણ માટે અસરકાર પગલા લેવામાં આવતા ઉત્તરોત્તર સાવજોની સંખ્યામાં વધારો થયો છે.
વર્ષ 1995માં 304 સાજવો હતો જ્યારે 2001માં તેની સંખ્યામાં વધીને 327 થઈ હતી. વર્ષ 2005માં આ આંકડો 359 ઉપર પહોંચ્યો હતો. વર્ષ 2010માં 411 સાવજોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. વર્ષ 2015માં વનરાજોની સંખ્યા વધીને 523 ઉપર પહોંચી હતી. ગીર જંગલ વિસ્તારમાં 674 કરતા વધારે સાવજો વસવાટ કરી રહ્યાં છે. ગીર અભ્યારણમાં 345 અને અભ્યારણ બહાર 329 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાવજોના વસવાટ વિસ્તારમાં વધારો થયો છે હવે અનેક સિંહ ગીર જંગલ બહાર વસવાટ કરી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે ગીર જંગલ વિસ્તારમાં હાલ 1200 જેટલા વનરાજ વસવાટ કરતા હોવાનું વનપ્રેમીઓ માની રહ્યાં છે.
વનવિભાગ દ્વારા ગુજરાતમાં સાવજોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીર જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરે છે આ ઉપરાંત અનેક સ્થળે સીસીટીવી કેમેરા લગાવ્યાં હોવાનું જાણવા મળે છે.