વિશ્વ સિંહ દિવસ: સાસણમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓની સારવાર માટે વિશ્વની નંબર વન હોસ્પિટલ બનાવાશે
અમદાવાદઃ આજે વિશ્વ સિંહ દિવસ. ગુજરાતીઓ માટે ગર્વનો દિવસ, ભારતભરના લોકો વનરાજ સિહને જોવા માટે ગુજરાતમાં આવે છે. સિંહ એ ગુજરાતની શાન છે, પરંતુ જંગલો કપાવાથી સિહ અવાર-નવાર રસ્તા પર આવી ચડે છે અને અકસ્માતનો ભોગ બને છે. આજ દિવસે ગુજરાતનાં વન મંત્રી મુળુભાઈ બેરાનું સિંહોની સુરક્ષાને લઇ નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે, સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઇટેક બની રહ્યું છે.
વન મંત્રી મુળુભાઈ બેરાએ વધુમાં જણાવ્યું કે, “સાસણમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓની સારવાર માટે વિશ્વની નંબર વન હોસ્પિટલ બનાવવામાં આવશે. જેનાથી રેસ્ક્યુ કરેલા સિંહો અને વન્ય પ્રાણીઓને સમયસર ઉત્તમ સારવાર મળી રહેશે.” “અકસ્માત નિવારવા માટે સાસણના આસપાસના એક કિ.મી.માં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. સ્પીડથી પસાર થતા વાહનોનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે. વન્ય પ્રાણીઓ સાથે થતા અકસ્માતો અટકાવવા નવતર પ્રયોગ હાથ ધરાશે અને આધુનિક ડ્રોન કેમેરા વિકસાવાશે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, હવે ડ્રોન કેમેરાથી રેસ્ક્યુ કરાઈ રહ્યા છે. લાયન પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી કરાઈ રહી છે.” વન મંત્રીએ ઉમેર્યું.
- સિંહએ સૌરાષ્ટ્રની શાન છે
પહેલા દક્ષિણ ગુજરાતમાં પણ સિંહો જોવા મળતા હતા,પરંતુ હાલના સમયમાં ફકત સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોનો વસવાટ જોવા મળે છે. એક સમય એવો હતો કે ગીરમાં માત્ર 20 જ સિંહો બચ્યા હતા, ત્યારે જૂનાગઢના નવાબે સિંહોનો શિકાર પર પ્રતિબંધ મૂકયો અને ત્યારબાદ ધીરે ધીરે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. સિંહોનાં સંવર્ધન માટે સરકારી તંત્ર સાવધ નહી બને તો ગીરમાંથી પણ આ સિંહોની પ્રજાતી લુપ્ત થવાના આરે આવી જશે.
- લોક ભાગીદારી જરૂરી
રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિકસ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવશે. જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારના 11 જિલ્લાની આશરે 11,000થી વધુ શાળા/કોલેજોમાં આ કાર્યક્રમો યોજાશે. જેમાં અંદાજે 21 લાખથી વધુની લોકભાગીદારી થશે.
વધુમાં, વધુ નાગરિકો વર્ચ્યુઅલ રીતે સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા આ ઉજવણીમાં જોડાય તે માટે ‘ચાલો આપણે સૌ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનું જતન કરીએ.’, ‘આપ સૌને ‘વિશ્વ સિંહ દિવસ’ની શુભેચ્છાઓ’ ‘#WorldLionDay2024’ જેવા SMS રાજ્યના વન્ય પ્રાણી વિભાગ, સાસણ-ગીર તેમજ વન વિભાગ દ્વારા અંદાજે 75 લાખ નાગરિકોને જયારે 03 લાખ નાગરિકોને ઈ-મેઈલથી પહોંચાડાશે.