Site icon Revoi.in

વિશ્વ સિકલ સેલ દિવસની ગુજરાતના 14 જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કાલે ઊજવણી કરાશે

Social Share

ગાંધીનગરઃ સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક રક્ત વિકૃતિ (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 19 જૂનના રોજ  ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં સિકલ સેલ એનેમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર,  દાહોદ,  મહીસાગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એમ 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં રાજ્યમાં સિકલ સેલ એનેમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે ‘સિકલ સેલ એનેમિયા નિયંત્રણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શરૂ કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં જ આ કાર્યક્રમ હેઠળ કુલ 17,69,863 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009-10માં તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમને પુરસ્કૃત કર્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં જોવા મળતા આ રોગની નાબૂદી પર ખાસ ધ્યાન આપ્યું છે. સરકારે આ રોગ અંગેના જાગૃતિ અભિયાનને વેગ આપવાની સાથે જ તેના નિદાન અને સારવારની વ્યવસ્થા તેમજ દવાઓની ઉપલબ્ધતા પર ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે સામૂહિક સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવા ઉપરાંત, લગ્ન પહેલા જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ પર પણ ભાર મૂક્યો છે. સાથે જ, રાજ્ય સરકારે આ રોગ માટે મોટા પાયે જાગૃતિ અભિયાન અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સનું પણ આયોજન કર્યું છે. એટલું જ નહીં, પરંતુ સિકલ સેલ કાઉન્સેલર દ્વારા આદિજાતિ જિલ્લાઓમાં રહેતા લોકોમાં આ રોગનું નિદાન કરવામાં આવે છે, જેથી આવનારી પેઢીમાં આ વારસાગત રોગને ફેલાતો અટકાવી શકાય. આ માટે, પ્રાથમિક તપાસ તરીકે લાભાર્થીનો ડીટીટી ટેસ્ટ (ટર્બિડિટી ટેસ્ટ) કરવામાં આવે છે, અને ત્યારબાદ સચોટ નિદાન માટે હાઇ પર્ફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી (HPLC) ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સિકલ સેલને સમર્પિત ડે કેર સેન્ટર પણ ખોલ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલના દર્દીઓને વિકલાંગતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જેથી તેઓ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવી શકે. જરૂરી દવાઓ અને સારવાર સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત, વર્ષ 2024-25થી રાજ્ય સરકાર દ્વારા ₹6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના દર્દીઓને દર મહિને જે ₹500ની આર્થિક સહાયતા આપવામાં આવતી હતી, તેને હવે વધારીને ₹2500 કરવામાં આવી છે.