1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિશ્વ પ્રવાસન દિવસઃ તાપી જિલ્લામાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી
વિશ્વ પ્રવાસન દિવસઃ તાપી જિલ્લામાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી

વિશ્વ પ્રવાસન દિવસઃ તાપી જિલ્લામાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી

0
Social Share

અમદાવાદઃ સંયુક્ત રાષ્ટ્રએ 1980થી 27 સપ્ટેમ્બરને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આ દિવસને સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. દેશ અને દુનિયામાં અનેક સ્થળો છે, જયા જવાની હરવા-ફરવાની લોકોની આશા હોય છે. પરંતુ આપણા પોતાના વિસ્તારને પહેલા ભરપુર માણવો જોઇએ. પ્રકૃતિના ખોડે બીરાજમાન એવા દક્ષિણ ગુજરાતમાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી છે. આજે વર્લ્ડ ટુરીઝમ ડે ઉપર તાપી જિલ્લાની એવી જગ્યાઓ વિશે જાણીએ જ્યાં ફરવા માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો આવવાનું પસંદ કરે છે.

વ્યારા વન વિભાગમાં આવેલ વ્યારા રેંજનાં આંબાપાણી/આમણીયા ખાતે પરિસરીય પ્રવાસન અને કેમ્પ સાઈટ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો વિકાસ કરવામાં આવેલ છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે તથા પ્રવાસીઓ માટે આ જગ્યા ખુબજ લોક પ્રિય છે. આ વિસ્તારમાંથી પૂર્ણા નદી વહે છે. જેથી તેનાં ઉપર ચેકડેમ બનાવવામાં આવેલ છે. ત્યા બારેમાસ પાણી રહે છે. જેમાં સહેલાણીઓ માટે બોટ રાઇડ (હોડી) ની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ટ્રી હાઉસ અને જમવાની સુવિધા માટે કેન્ટીનનો સમાવેશ થાય છે. અંદાજિત ૪.૦૦ હેકટર જમીન પર આવેલા સંપુર્ણ નૈસર્ગિક વાતાવરણના કારણે લોકોની પસંદીદા જગ્યાઓમાંથી એક છે.

  • ડોસવાડા ડેમ-સનસેટ અને સનરાઇઝ માણતા લોકો બેસ્ટ સ્પોટ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ડોસવાડા ગામમાં મધ્યમ કક્ષાનો ડેમ આવેલ છે. ડોસવાડા ડેમ સને 1911-12 માં મહારાજ સયાજીરાવ ગાયકવાડનાં સમયમાં વ્યારા ટાઉનને પીવાનુ પાણી પુરુ પાડવા બાંધકામ થયેલ છે. આ ડેમના 103 વર્ષ પુર્ણ થયેલ છે. આ ડેમ ઘણો જુનો તેમજ ઐતિહાસીક ડેમ છે.

ડોસવાડા ડેમ માટીયાર ડેમ અને મેસનરી સ્પીલવેનો બનેલ છે. ડોસવાડા ડેમ મિઢોળા નદી પર ડોસવાડા ગામ પાસે બનાવવામાં આવેલ છે. ડોસવાડા ડેમની નજીકમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના ઘોડાનો અસ્તબલ પણ આવેલ છે. જે હાલ ખંડેર હાલતમાં છે. પરંતું પ્રિ-વેડીંગ ફોટોશુટ માટે લોકો આ જગ્યાને ખુબ પસંદ કરે છે. આજુબાજુમાં નાની મોટી ટેકરી આવેલ છે. આમ આ ડેમનું પાણી તેમજ આજુબાજુનો વિસ્તાર ખુબજ રમણીય લાગે છે. નાનો ડેમ હોવાથી આ ડેમ વર્ષા ઋતુ શરૂ થતા તરત જ ભરાઇને છલકાવા લાગે છે. ત્યારે પણ આહલાદક દ્રશ્યને માણવા લોકો દુર દુરથી અહી આવી પહોચે છે. હાલમાં ડોસવાડા ડેમ પર સહેલાણીઓનાં ટોળે ટોળા ફરવા આવે છે. શનિ રવિની રજાઓમાં ક્યાંક દુર ફરવા જવાની ઇચ્છાના હોય અને કોઇ શાંત વાતાવરણમાં માઇન્ડ ફ્રેશ કરવાની ઇચ્છા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે.

તાપીની મુખ્યમથક વ્યારાથી માત્ર 14 કીમી દુર, પાકા રસ્તા, ફોટોગ્રાફિ માટે અને સેલ્ફી માટે બેસ્ટ જગ્યાઓ અને લોકેશન, સનસેટ અને સનરાઇઝ માણતા લોકો માટે ડોસવાડાના ડુંગર ઉપરથી નજારો ખરેખર માનસિક શાંતીની અનુભુતિ કરાવતો સાબિત થાય છે.

  • કર્દમેશ્વર મહાદેવ મંદિર બાલપુર

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામ ખાતે આવેલ શ્રી કર્દમેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક, ધાર્મીક, ભૌગોલિક દ્રસ્ટીએ અનેરૂ મહત્વ ધરાવે છે. બાલપુર શ્રી કર્દમેશ્વર મહાદેવનાં શિવાલયનાં પટાંગણમાં સતત વહેતો ગરમ પાણીનો ઝરો એની શોભામાં અને આસ્થામાં વધારો કરે છે. આ સ્થળે શિવરાત્રી તેમજ શ્રાવણ મહીનામાં વધુ પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હોય શિવરાત્રીનો મેળો પણ અહિ ભરાય છે. સ્થળને પ્રવાસન ધામ તરીકે વિક્સાવવા જિલ્લા તંત્રએ વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવેલ છે.

  • શ્રીગુસ્માઇ માડી મંદિર પદમડુંગરી

તાપી જિલ્લાના વ્યારા તાલુકાની દક્ષિણે વહેતી અંબિકા નદીના કિનારે સુંદર વનમાં વસેલું ગામ પદમડુંગરી. યાત્રાઘામ અને ગરમકુંડથી પ્રખ્યાત ઉનાઇથી ૧૩ કી.મી. અંતરે આવેલું છે. વાપી-શામળાજી હાઇવે ઉપર પાઠકવાડી સ્ટેન્ડથી પૂર્વ દિશામાં ૦૯ કિ.મી. ઇકો ટુરીઝમ સાઇટ આવેલ છે. પાઠકવાડીથી પૂર્વ દિશામાં જતા જે જંગલની શરૂઆત થાય છે. “પદમડુંગરી” શબ્દનું મુળ “પદમડુંગરી” પુરાણ કાળમાં હતું. પ્રાચીનકાળમાં ડુંગરોની વચ્ચે એક હાથિયો તળાવ હતું. જેમાં પદ્મ એટલે કમળનાં રળિયામણાં કુલો થતાં અને મહારાજાઓ હાથીને સ્નાન કરાવતાં હતા. આ સંદર્ભે પદ્મનગરી-પદમડુંગરી કહેવાતું હતું જેનો અપભ્રંશ શબ્દ એટલે “પદમડુંગરી”.

પદમડુંગરી પહોચતાં ૫.૦૦ કી.મીના અંતરે એક શ્રધ્ધાદેવી ગુસમાઇ માડી મંદરી આવેલું છે. પારાણિક કથા અનુસાર માડીની “શીલા-પથ્થર” ડુંગરની ટોચ ઉપર હતી. વનવાસી અને આદિવાસીઓની શ્રધ્ધાદેવીને લોકો પુજા અર્ચના કરતા અને બાધા-આખડી પણ રાખતા હતા.

સ્થાનિક માન્યતા અનુસાર એક નિ:સંતાન પરિણિતાને સંતાનસુખ માટે ગુરામાઇ માડીની બાધા-આખડી રાખવા કહેવામાં આવ્યું અને બે/ત્રણ મહીનામાં પરિણિતાને ગર્ભસ્થનો સંકેત થતાં જ જીંદગીમાં આનંદ થયો. તેથી તે પંદર દિવસે-મહીને ગુસમાઇ માડીની પુજા નિયમિત કરતી હતી. પરંતુ છેલ્લા દિવસોમાં ડુંગરનું ચઢાણ અશકિતમાન થતાં થોડું ચઢયા બાદ માતાજીને સંબોધીને કહયુ, “માડી મારી પુજા અર્ચના અહીંથી જ સ્વીકાર કરો અને મને આર્શીવાદ આપો.” ગર્ભસ્થ પરિણિતા જયાં ઉભી હતી ત્યાં ટોચ પરથી પથ્થર ગબડતો આવી અટકી ગયો અને આજે એજ સ્થળે “ગુસમાઇમાડી” ની પુજા અર્ચના થતી આવી છે. આ મંદિરે રવિવાર તથા મંગળવારના રોજ મોટી સંખ્યામાં આદિવાસી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, તેમજ નવરાત્રીનો છેલ્લો દિવસ દશેરાના રોજ ગામે-ગામથી ભકતો આવે છે.

  • ભવ્ય ખંડેરોના ઐતિહાસીક અવશેષોની સાક્ષી પુરતો સોનગઢનો કિલ્લો, સોનગઢ

ભૌગોલિક દ્રષ્ટિએ સોનગઢ તાપી નદી પર આવેલુ તાપી જિલ્લાનું તાલુકા મથક છે. એક સમયમાં આબાદ શહેર ગણાતું આ નગર ભવ્ય ખંડેરોના ઐતિહાસીક અવશેષો તેની સાક્ષી પુરતા આજે ઉભા છે. ડુંગર ઉપર પહોચવા માટે સર્પકારે રસ્તો છે, ટોચ ઉપર પહોચતા બુરજાથી શોભતાં ભવ્ય પ્રવેશ દ્વારા આવે છે. કિલ્લા ઉપર મહાકાળી માતાનું મંદિર, ભગવાન ખંડેરાવનું મંદિર, શિવલિંગ, અંબામાતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે, દર વર્ષે દશેરાએ અહી મોટો મેળો ભરાય છે. તથા દુર દુર થી યાત્રાળુઓ ઐતિહાસીક કિલ્લાની મુલાકાતે આવતા હોઈ છે. જેથી સોનગઢ કિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવાની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસાનું જતન કરી જેના થકી ફોર્ટ સોનગઢ કિલ્લાને પ્રવાસન સ્થળ બનાવાથી સોનગઢ શહેર તથા આજુબાજુના ગામ લોકોને રોજીરોટી મળી શકશે અને આવા રસપ્રદ કિલ્લાનો ઐતિહાસિક ચિતાર પણ એટલો જ ઉત્તેજક અને પ્રવાસીઓના આકર્ષણ સમાન બની રહેશે. ઉપરાંત તાપી જિલ્લાની આજુબાજુ પ્રવાસન સ્થળ જેવા કે, કેવડીયા અને સાપુતારા વચ્ચે જોડતુ એક ટુરીઝમ સર્કીટ તરીકે જોડાણ ઉપરાંત તાપી જિલ્લાના ઈકોટુરીઝમ સ્થળ જેવા કે, પદમડુંગરી, આંબાપાણી સાથે જોડાણ થતા પ્રવાસીઓ માટે આર્કષકનું કેન્દ્ર બની રહેશે.

  • આદિવાસી લોકોની આસ્થાની કુળદેવી કંસરીમાતા- કાવલાકંસરી મંદિર

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે તાપી જિલ્લામાં સાતપુડાની ગિરીમાળાઓ આવેલી છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આ વન વિસ્તારમાં ઘટાદાર જંગલોમાં સોનગઢ તાલુકાનું કાવલા ગામ આવેલું છે. જ્યાં આદિવાસી લોકોની કુળદેવી કંસરી માતાનું પવિત્ર ધામ આવેલું છે. કુદરતે જ્યાં મન મુકીને સૌંદર્ય વેર્યુ છે એવું આ કાવલા ગામ ખૂબ જ રમણિય સ્થળ છે. અહીંના આદિવાસી લોકો ખૂબ જ શ્રધ્ધા-ભક્તિભાવ પૂર્વક અહીં માતાજીના દર્શન,બાધા-માનતા પુરી કરવા માટે આવે છે. કંસરી દેવીની માનતા પૂર્ણ કરવા માટે વર્ષમાં એકવાર ઘરના કે ગામના લોકો ભેગા થઈને પારંપારિક વાદ્ય-સંગીત સાથે દેવીના દર્શન કરવા માટે બળદ ગાડામાં કે પદયાત્રા કરીને આવે છે. અહીં ચોંસઠ જોગણી માતા,નવી કંસરીમાતા,મહાદેવ અને હનુમાનજીના સ્થાનકો પણ આવેલા છે. આદિવાસી લોકોની આસ્થાનું આ સ્થાનક ભાવિક ભક્તો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ સિવાય તાપી જિલ્લામાં અનેક નામી અનામી કુદરતી સૌદર્યથી ભરપુર સ્થળો છે. જેમ કે ઉચ્છલ તાલુકામાં સેલુડ ગામ જ્યા વર્ષા ઋતુમાં તાપી કિનારે જાંબલી ફુલોનો બગીચો ખીલી ઉઠે છે. ઉનાળામાં કુકરમુંડા તાલુકાનું જુના બેજ ગામ જતા સૂર્યમુખીના ખેતરોના ખેતરો જોઇ વેલી ઓફ ફ્લાવર્સને સરમાવે તેવો અદભુદ નજારો જોવા મળે છે જેને માણવો એક લાહવો છે. વર્ષા ઋતુ શરૂ થતા પહેલા તાપી અને ડાંગ જિલ્લાની બોર્ડરને અડીને આવેલા જંગલોમાં આગીયાઓની મેટીંગ શિઝન શરૂ થાય છે. રાત્રીના સમયે જાણે હજારો તારાઓ ધરતી ઉપર બીરાજમાન થયા હોય એવો અનુભવ થાય છે. આ દ્વશ્ય કોઇ જીવનમાં એક વાર જુએ તો આખી જીંદગી ભુલાઇ નહી. આ સિવાય તાપી જિલ્લાના વિવિધ નાના મોટા ધોધ, ઘાટાનો વડ, ચાંદ સૂર્ણ મંદિર,ર, દેવમોગરા મંદિર, દેવઘાટ, દેવલી માળી મંદીર, ઘારેશ્વર મંદીર, ફતેહ બુર્જ વ્યારાનો કિલ્લો, ગોવાળ દેવ, જુના વડ ગામ, થુટી, ખેરવાડા રેન્જના જંગલ, કિન ઘાટ, મેઢા કુનવાલી, પરશુરામ મંદિર, અને ઉકાઇ ડેમ પણ અહિની સંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

બહુલ્ય આદિવાસી વસતિ ધરાવતા તાપી જિલ્લાનું નામકરણ જેના સ્મરણ માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે એવી પુરાણ પ્રસિદ્ધ તાપી નદી ઉપરથી રાખવામાં આવ્યું છે. જ્યા કુદરતે પોતાની  અમી નજર રાખી અપ્રતિમ સૌદર્ય આપ્યુ છે. દક્ષિણ ગુજરાતનો તાપી જિલ્લો ઈતિહાસના પુરાણકાળ અને આજની આધુનિકતાને પોતાના ખોળે સમાવી  બેઠો છે. એક તરફ પુરાતન સાંસ્કૃતિ વિરાસત છે, જ્યારે બીજી તરફ આધુનિકતાની  વિકાસ ગાથા છે. પ્રાકૃતિક સૌદર્યતાની મોટી વિરાસતને કારણે તાપી જિલ્લો સમગ્ર ગુજરાતમાં પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code