વિશ્વ જળ દિવસઃ ધ્રાગંધ્રાની એક સોસાયટીના રહીશો 16 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરે છે
અમદાવાદઃ 22મી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાર્થક કરવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે. જો કે, ગરમી આવતા-આવતા પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેને જોતા સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રામાં ગોકુલ સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા 16 વર્ષથી વરસાદીના પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. તમામ પરિવારો આ જ સંગ્રહ કરેલા પાણીને પીવામાં પણ ઉપયોગ કરે છે. જેનો આખું વર્ષ દરમિયાન ઉપયોગ કરાતો હોવા છતાં કોઈ દિવસ પાણીની તકલીફ પડતી નથી તેમજ પાણી જન્ય રોગ જેવા કે સાંધાના દુખાવા, પથરી જેવા રોગ પણ થતા નથી અને પીવા માટે પાણી પણ મંગાવું પડતું નથી. સોસાયટીમાં રહેતા બધા ઘરની અંદર 12000થી 15000 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે તે માટે અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાકા પણ બનાવવામાં આવ્યા છે.
જેમાં વરસાદની સીઝનમાં ધાબા ઉપર પડેલ વરસાદનું પાણી ડાયરેક્ટ પાઇપ દ્વારા અન્ડર ગ્રાઉન્ડ ટાકામાં સંગ્રહ થાય છે. તેમજ જરૂર હોય ત્યારે રહીશો પાણીનો ઉપયોગ કરે છે. સ્થાનિકો આવી જ રીતે પાણી બચાવવાની લોકોને અપીલ કરી છે. વરસાદીના પાણીના સંગ્રહ કરવા માટે સોસાયટીના રહીશોએ પોતાના મકાનની અંદર બે પાઇપ લાઇન નાંખી છે. જેમાં વરસાદની સીઝનમાં પહેલા વરસાદે ધાબુ ધોઈને પહેલી પાઇપ લાઇન દ્વારા સાફ કર્યા બાદ બીજી પાઇપ લાઇન વડે વરસાદી પાણી સીધું ભુગર્ભ પાણીના ટાકામાં તે પાણીનો સંગ્રહ કરે છે જે આખું વર્ષ ચાલે છે. આ સોસાયટીમાં રહેતા લોકો જેવું કાર્ય બીજા લોકો પણ જળ એ જ જીવનના સૂત્ર સાર્થક કરે તે જરૂરી છે. પાણીના આ પદ્ધતિ દ્વારા તમામ ગામ કે રાજ્યોમાં પાણીની અછત થશે નહી તેમજ બારેમાસ પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે છે.
વિશ્વને પાણીની જરૂરિયાતથી જાગૃતિ કરાવવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ 1992માં રિયો ડિ જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસની દ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનું આયોજન પ્રથમવાર વર્ષ 1933માં 22 માર્ચે થયું હતું. વિશ્વ જળ દિવસ મનાવવાનો હેતુ વિશ્વને જાગૃત કરવવાનો છે કે પાણી બચાવવું કેટલું જરૂરી છે, આ આપણું મૂળભૂત સંસાધન છે, તેનાથી કેટલાય કામ સંચાલિત થાય છે અને તેની અછતથી મોટાભાગની પ્રવૃત્તિઓ ઠપ થઇ શકે છે. આ હેતુનો દિવસ લોકોનું જણાવવાનો છે કે પાણી વગર તેમના અસ્તિત્ત્વ પર જોખમ આવી શકે છે.