ચિંતાજનક : દુનિયાભરમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે કોરોના
- દુનિયાભરમાં ફરી કોરોનાનો પગ પેસારો
- who એ વ્યકત કરી ચિંતા
- ડેલ્ટા વેરિયન્ટ વાળા સિક્વન્સમાં 75 % નો વધારો
દિલ્હી:કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ નવા પડકાર સાથે દેખાવા લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ અહેવાલ આપ્યો છે કે, 20 જુલાઇ સુધીમાં ગ્લોબલ ઇનીશિએટીવ ઓન શેયરિંગ ઓલ ઇન્ફલ્યુએન્ઝા ડેટાને 24 લાખ જીનોમ સિક્વન્સ ઉપલબ્ધ કરાયા છે.આમાંથી 2.20 લાખ સિક્વન્સમાં જ ડેલ્ટાની પુષ્ટિ થઇ છે.
જેમાં સૌથી વધુ કેસ ભારત, ચીન, રશિયા, ઇઝરાઇલ અને બ્રિટન સહિતના અન્ય દેશોમાંથી મળ્યા છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે, ડેલ્ટા વેરિયન્ટ આ રીતે વધતો રહેશે અને આવનારા કેટલાક સમય માટે દુનિયામાં સંક્રમણનું એક મોટું પરિબળ બનશે.
ડબ્લ્યુએચઓએ સાપ્તાહિક અહેવાલ જારી કર્યો છે કે,પ્રયત્નો અને રસીકરણ વધતા હોવા છતાં સંસ્થાના તમામ છ ક્ષેત્રોમાં સંક્રમણના કેસો વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં 68 ટકા, ઇન્ડોનેશિયામાં 44 ટકા અને યુકેમાં 41 ટકાનો વધારો થયો છે.
ડબ્લ્યુએચઓના અહેવાલ મુજબ, ગત સપ્તાહે ભારત અને શ્રીલંકામાં નવા દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં પહેલા કરતાં ઘટાડો થયો છે. તો, દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં 8.29 લાખ નવા કેસ નોંધાયા છે અને 16 હજાર લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે નવા દર્દીઓની સંખ્યામાં 16 ટકાનો વધારો થયો છે અને મૃત્યુ દરમાં 12 ટકાનો વધારો થયો છે, જે ચિંતાજનક પરિસ્થિતિ છે.