- હાલ 11 લાખથી વધારે એક્ટિવ કેસ
- 24 કલાકમાં 379 દર્દીઓના થયાં મોત
- 84 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં
દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશમાં 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 2.47 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 84479 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. દરમિયાન 379 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા હતા. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1.62 લાખ દર્દીનો વધારો થયો હતો. આમ અત્યારે 11.10 લાખ જેટલા એક્ટિવ કેસ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીએ 24 કલાકમાં 52 હજાર જેટલા વધારે કેસ નોંધાયાં હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3.63 કરોડ પોઝિટિવ કેસ નોંધાયાં છે. જ્યારે બીજી તરફ 3.47 કરોડ લોકો સાજા થયાં છે. જ્યારે 4.85 લાખ દર્દીઓના અત્યાર સુધીમાં મોત થયાં હતા. દેશની રાજધાની દિલ્હીમાં પોઝિટિવીટી રેટ વધીને 24.22 ટકા થયો છે. જે છેલ્લા સાત મહિનામાં સૌથી વધારે છે. 5મી મેના રોજ દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 25 ટકા નોંધાયો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં ઓમિક્રોનના કેસનો આંકડો 5488 ઉપર પહોંચ્યો છે. જ્યારે પોઝિટીવિટી રેટ 13.11 ટકા નોંધાયો હતો. આ પહેલા પોઝિટિવીટી રેટ 11.05 ટકા નોંધાયો હતો.
દેશમાં કોરોનાના પોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થતા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને જરૂરી સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને લઈને મહત્વની બેઠક કરશે. જેમાં કોરોનાના પોઝિટિવ કેસ અને હોસ્પિટલોમાં જરુરી સુવિધાઓને લઈને ચર્ચા કરવામાં આવશે.
(Photo-File)