Site icon Revoi.in

મોદી સરકારને રાહત, 10 માસમાં નીચલા સ્તરે જથ્થાબંધ ફૂગાવાનો દર

Social Share

મોદી સરકારના કાર્યકાળના આખરી માસમાં મોંઘવારીના મોરચે સતત રાહત મળી રહી છે. ગત ડિસેમ્બર બાદ હવે જાન્યુઆરીનો જથ્થાબંધ મોંઘવારી દરનો આંકડો પણ ઘટયો છે. ડિસેમ્બરના 3.08 ટકાના મુકાબલે જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.76 ટકા થઈ ગયો છે. તે ગત દશ માસના લઘુત્તમ સ્તર પર છે. જ્યારે વાર્ષિક આધારે આ મહીને જથ્થાબંધ મોંઘવારીનો દર 3.02 ટકા હતો. એટલે કે વાર્ષિક આધાર પર પણ મોંઘવારીમાં રાહત મળી છે. આના પહેલા મંગળવારે રિટેલ મોંઘવારીના આંકડ઼ા સામે આવ્યા હતા. આ આંકડા મુજબ, રિટેલ મોંઘવારીનો દર જાન્યુઆરીમાં ઘટીને 19 માસના લઘુત્તમ સ્તર પર આવી ગયો છે.

કોનો મોંઘવારી દર વધ્યો અને કોનો ઘટયો?

માસિક આધાર પર જાન્યુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર 0.07 ટકાથી વધીને 1.84 ટકા પર છે, તો પ્રામરી આર્ટિકલ્સનો મોંઘવારી દર 2.28થી વધીને 3.54 ટકા છે. જ્યારે જાન્યુઆરીમાં ઈંધણ અને વીજળીના મોંઘવારી દરમાં મોટો ઘટાડો થયો છે અને તે 8.38 ટકાથી ઘટીને 1.85 ટકા પર છે. આ ઘટાડો ડીઝલ, પેટ્રોલ અને એલપીજીની કિંમતોના ઘટવાથી થયો છે. આ સમયગાળામાં શાકભાજીમાં હોસસેલ મોંઘવારી દર માઈનસ 17.55 ટકાની સરખામણીએ માઈનસ 4.21 ટકા પર છે.

બટાકાનો મોંઘવારી દર 48.68 ટકાથી ઘટીને 6.30 ટકા છે. જ્યારે નોન ફૂડ આર્ટિકલ્સની વાત કરીએ, તો તેનો મોંઘવારી દર 4.45 ટકાથી ઘટીને 4.06 ટકા પર આવી ગયો છે.

જાન્યુઆરી માસમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ મોંઘવારી દર 2.61 ટકા પર રહ્યો છે. જો કે માસિક આધાર પર જાન્યુઆરીમાં દાળનો મોંઘવારી દર 2.11 ટકાથી વધીને 7.55 ટકા પર આવી ગયો છે. ઈંડા અને માંસનો જથ્થાબંધ મોંઘવારી દર 4.55 ટકાના મુકાબલે 5.47 ટકા પર આવી ગયો છે.

શું રહ્યો હતો રિટેલ મોંઘવારી દરનો આંકડો…?

ગત મંગળવારે રિટેલ મોંઘવારી દરના આંકડા સામે આવ્યા હતા. ફળ, શાકભાજી સહીતના ખાણીપીણીના સામાન સસ્તા થયા હોવાથી અને ઈંધણની કિંમતો પણ ઘટી હોવાને કારણે આ આંકડો જાન્યુઆરીમાં ઘટીને 2.05 ટકા પર આવી ગયો હતો. તે 19 માસના નીચલા સ્તરે છે. ગત વર્ષ જાન્યુઆરીમાં જોવામાં આવે, તો રિટેલમાં ફૂગાવાનો દર 5.07 ટકા હતો. આ વર્ષે જાન્યુઆરીમાં ફળ, શાકભાજી અને ઈંડાની કિંમત સતત ઘટી રહી છે. આ ભોજન સામગ્રીની કિંમતોમાં અનુક્રમે 4.18 ટકા, 13.32 ટકા અને 2.44 ટકા જેટલો ઘટાડો થયો છે.

મોંઘવારી દર ઘટવાનો કેવી રીતે થશે ફાયદો?

મોંઘવારી દરના આંકડામાં ઘટાડાનો ફાયદો આગામી દિવસોમાં સામાન્ય લોકોને મળે તેવી શક્યતા છે. આ આંકડાના આધારે જ આરબીઆઈ રેપોરેટને વધારવા અથવા ઘટવાનો નિર્ણય કરતી હોય છે. મોંઘવારી દરમાં ઘટાડો થવાને કારણે આરબીઆઈ આગામી સમીક્ષા બેઠકમાં ફરી એકવાર રેપોરેટમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. રેપોર્ટમાં ઘટાડોનો અર્થ એ થાય છેકે તમારી હોમ લોન પર વ્યાજદરમાં પણ ઘટાડો થશે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં મોંઘવારીના નિયંત્રણમાં હોવાને કારણે રિઝર્વ બેંકે રેપોરેટમાં 0.25 બેસિસનો ઘટાડો કર્યો છે. બાદમાં હવે રેપો રેટ 6.25 ટકા પર છે. તો આ ઘટાડા બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ હોમલોન પર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.