1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોમનાથમાં ડિમોલેશન સામે સુપ્રીમમાં રિટ, હાઈકોર્ટમાં કાલે ચુકાદાની શક્યતા
સોમનાથમાં ડિમોલેશન સામે સુપ્રીમમાં રિટ, હાઈકોર્ટમાં કાલે ચુકાદાની શક્યતા

સોમનાથમાં ડિમોલેશન સામે સુપ્રીમમાં રિટ, હાઈકોર્ટમાં કાલે ચુકાદાની શક્યતા

0
Social Share
  • ગુજરાત હાઈકોર્ટે સ્ટેટસ્કવોની માગ પરનો ચુકાદો અનામત રાખ્યો,
  • સરકારી જમીનો પર દબાણો વર્ષોથી ખડકાયેલા હતા,
  • સરકારે દબાણો હટાવવા મેદા ઓપરેશન કર્યું હતું

અમદાવાદઃગીર સોમનાથ જિલ્લામાં સોમનાથમાં સરકારી જમીનો પર વર્ષોથી કરાયેલા દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ઓપરેશનમાં રેન્જ આઈજી સહિતના અધિકારીઓ અને ત્રણ જિલ્લાની પોલીસનો બંદાબસ્ત ગોઠવીને મોટાપાયે દબાણો હટાવાયા હતા. દબાણો હટાવાતા સ્થાનિક લોકોનો ભારે વિરોધ થયો હતો, દરમિયાન મેગા ડિમોલીશન ની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરાઇ હતી તેમાં તમામ પક્ષકારોની સુનાવણી બાદ ચુકાદો કાલે ગુરુવારે અનામત રાખવામાં આવેલો ચુકાદો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. તેમજ આ મુદ્દે અન્ય એક પક્ષકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં આ કેસમાં સુનાવણી દરમિયાન રાજય સરકાર અને અરજદાર અસરગ્રસ્તો તરફથી લંબાણપૂર્વકની દલીલો અને રજૂઆત કરવામાં આવી હતી. તો, કોર્ટના ધ્યાન પર કેટલીક હકીકતો અને પુરાવા-દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. અસરગ્રસ્તો તરફથી કેસમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાના હુકમ માટે માંગણી કરવામાં આવી હતી. જો કે, હાઇકોર્ટે હાલના તબક્કે સ્ટેટ્સ કવોની રાહત આપી ન હતી. લગભગ ત્રણેક કલાક ચાલેલી સુનાવણી બાદ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થતાં હાઇકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાઇકોર્ટ આ કેસમાં ગુરુવારે પોતાનો ચુકાદો આપે તેવી શકયતા છે.

હાઈકોર્ટમાં અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેઓના કેસની સુનાવણી સ્થાનિક સત્તાધીશો સમક્ષ ચાલી રહી છે અને રજૂઆતની તક આપ્યા વગર સમગ્ર કાર્યવાહી તા.28 સપ્ટેમ્બરનાં રોજથી કરવામાં આવી હતી. અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, આ જમીન પર કબ્રસ્તાન, દરગાહ, મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો આવેલા છે.  પ્રસ્તુત કિસ્સામાં નવ મિલકતોને સ્થાનિક અધિકારી દ્વારા નોટિસ ગત તા. 12 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાતી આ જમીનમાં વર્ષ 1947 થી સરકારી જમીન તરીકે નોંધ કરવામાં આવી છે અને કબજેદાર તરીકે હસનઅલી ઘાંચીનું નામ દૂર કરવામાં આવે તે માટે ખુલાસો કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી તાં. 19 નાં રોજ રાખવામાં આવી હતી અને ત્યારબાદ મુદત આપવામાં આવતા તા. 27 નાં રોજ મુદત હતી. તે વખતે પક્ષકારો હાજર હતા પરંતુ આખો દિવસ કોઈ સુનાવણી થઈ નહોતી. ત્યારબાદ બીજા દિવસથી તોડફોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે રજૂઆતની તક આપ્યા વગર કરાઈ હતી.

બીજી બાજુ સરકાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે પ્રસ્તુત મિલકતો બાબતે અલગ અલગ અદાલતો અને લીગલ ફોરમમાં પાંચમી વખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. નોટિસની વિગતો જોતા આ સરકારી જમીન ઉપર દબાણ હતું. આ બાબતે ગયા વર્ષે પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી.  સત્તાવાળાઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ ડિમોલીશનની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં અસરગ્રસ્તોને તા.12-9-2024ના રોજ નોટિસ જારી કરવામાં આવી હતી અને જેમાં તા.19મીએ સુનાવણી રાખવામાં આવી હતી. જો કે, એ દિવસે અસરગ્રસ્તો તરફથી મુદત લેવાઇ હતી. બાદમાં તા.27મીએ ફરી હીયરીંગ રખાયુ હતુ અને એ જ દિવસે હુકમ થયા મુજબ, ડિમોલીશનની કામગીરી હાથ ધરાઇ હતી.

જો કે, અરજદારપક્ષે વાંધો લીધો હતો કે, તા.27મીએ તેઓને સુનાવણીની તક અપાઇ જ નથી અને આવો કોઇ હુકમ પણ થયો નથી. સત્તાવાળાઓએ તેઓને વિશ્વાસમાં લીધા વિના કે હુકમની જાણ કર્યા વિના જ બારોબાર ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી. રાજય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જરૃરી કાયદાકીય અનુસર્યા વિના ગેરકાયદે રીતે આ ડિમોલીશનની કાર્યવાહી કરી છે. સરકારે આવા દબાણો કે બાંધકામો દૂર કરતાં પહેલાં તેમને સાંભળ્યા જ નથી અને કોઇ અધિકૃત હુકમ વિના જ ગેરકાયદે ડિમોલીશન કરાયું છે. દરમિયાન આ કેસમાં સુપ્રીમ કાર્ટમાં પણ રિટ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code