અમદાવાદઃ રાજ્યમાં પીએસઆઈની ભરતી માટેની લેખિત પરીક્ષા આવતીકાલે 6 માર્ચે યોજાશે. પીએસઆઈ માટે 4.50 લાખમાંથી 96,243 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. જેમની આવતીકાલે 6 માર્ચે પ્રિલિમનરી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પરીક્ષા સ્થળની આસપાસ ખાસ પ્રતિબંધો મુકી દીધાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પીએસઆઈની પ્રિલિમરી પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે માટે અમદાવાદ શહેરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્સ સહિતની દુકાનો બંધ રાખવા સૂચના આપી છે. તે ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કોઈ મોબાઈલ અથવા તો ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નરનો આ હૂકમ ફરજ પર રહેલા પોલીસદળ તથા હોમગાર્ડના માણસો તથા પરીક્ષા અનુસંધાને ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. તમામ પરીક્ષાર્થીઓએ તેમજ પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. આ હૂકમનો ભંગ કરનાર જાહેરનામા ભંગના ગુના મુજબ શિક્ષાને પાત્ર થશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પીએસઆઈમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. (file photo)