WTC ફાઈનલઃ ભારતીય ક્રિકટ ટીમે પહેલી ગ્રુપ ટ્રેનિંગમાં લીધો ભાર
સાઉથેમ્પટનઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટીન અવધી પુરી કરીને ન્યૂઝીલેન્ડ સામે તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીઓમાં જોતરાઈ છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં પહેલી ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી હતી તેમજ નેટ્સ અભ્યાસમાં ભાગ લીધો હતો. બીસીસીઆઈએ પહેલી ટ્રેનિંગ સત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
બીસીસીઆઈએ ટ્વીટર ઉપર વીડિયો સાથે લખ્યું છે કે, અમારી ગ્રુપ ટ્રેનિંહ હતી અને ફાઈનલ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક મિનિટથી વધુના આ વીડિયોમાં કેપ્ટન કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, ઋષભ પંથ સહિત અન્ય બેસ્ટમેન નેટ્સમાં બેટીંગ કરતા નજરે પડે છે. જ્યારે અશ્વિન, ઈશાંત શર્મા, મહંમદ શમી, બુમરાહ અને મહંમદ સિરાઝ તેમને બોલીંગ કરતા દેખાય છે. વીડિયોમાં ખેલાડી સ્લિપમાં કેચની પ્રેકટીસ કરતા જોવા મળે છે.
ભારતીય ટીમ ચાર્ટર્ડ પ્લેન મારફતે જૂનના પ્રથમ સપ્તાહમાં જ મુંબઈથી ઈંગ્લેન્ડ પહોંચી હતી. લંડનથી તેઓ સીધા સાઉથેમ્પટન ગયા હતા. જ્યાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે ખેલાડીઓ એક સપ્તાહ સુધી ક્વોરન્ટીન રહ્યાં હતા. જો કે, હજુ પણ ભારતીય ટીમ આઈસોલેશનમાં છે. પરંતુ ખુલ્લા મેદાનમાં તેઓ ફાઈનલની તૈયારી કરી શકે છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામે બે મેચની સિરીઝમાં વ્યસ્ત છે. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જયારે આવતીકાલથી બીજી ટેસ્ટ શરૂ થશે. ન્યૂઝીલેન્ડની ટીમ તા. 14મી જૂનના રોજ સાઉથેમ્પટન પહોંચશે.