વડોદરાઃ રાજ્યમાં લાંચ માગવાના બનાવો વધી રહ્યા છે. તોતિંગ પગાર મેળવતા અધિકારીઓ પણ લાંચ માગતા શરમાતા નથી. ત્યારે વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (વુડા)નો ફાયર બ્રિગેડનો અધિકારી રૂપિયા 2.25 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. વડોદરાના કારેલીબાગ વુડા ભવનમાં આવેલી વિભાગીય અગ્નિશમન કચેરીના અધિકારી નિલેશ પટેલને એસીબીએ રૂપિયા 2.25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીએ ગોધરાની ડેરીના બનેલા મકાનની ફાયર NOC માટે રૂપિયા 4.50 લાખની માગણી કરી હતી.
એસીબીના સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરાના કારેલીબાગમાં આવેલા વુડા ભવન સ્થિત વિભાગીય અગ્નિશમનની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 1ના અધિકારી નિલેશ પટેલ છેલ્લા 8 માસથી વડોદરા અને ગોધરા નગરપાલિકાના અગ્નિશામક વિભાગનો ચાર્જ સંભાળી રહ્યો હતો.તેથી ગોધરામાં બનતી વિવિધ બિલ્ડીંગોને ફાયર NOC આપવાની સત્તા પણ તેની પાસે હતી. અગ્નિશમન વિભાગની કચેરીના અધિકારી 8 માસ પહેલાં ગોધરાની એક મિલકતમાં NOC આપવાના કેસમાં લાંચ લેતા ઝડપાયા બાદ અધિકારી નિલેશ પટેલને ચાર્જ આપવામાં આવ્યો હતો. પરંતુ, નિલેશ પટેલ પણ ગોધરામાં બનેલા ડેરીના મકાનની ફાયર NOC આપવાના કેસમાં ઝડપાઈ ગયો છે.
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોધરામાં પંચામૃત ડેરીનું એક બિલ્ડીંગ તૈયાર થયું હતું. આ બિલ્ડિંગની ફાયર NOC માટે બિલ્ડીંગ બનાવનારા ઇજારદાર દ્વારા ફાયર NOC માટે વડોદરા વુડામાં આવેલી વિભાગીય અગ્નિસમન કચેરીમાં અરજી કરી હતી. દોઢ માસ પૂર્વે અરજી કરનારા અરજદારને યેન કેન પ્રકારે અધિકારી નિલેશ પટેલ ધક્કા ખવડાવી રહ્યા હતા. આખરે અધિકારીએ આ કેસમાં NOC આપવા માટે ઇજારદાર પાસે રૂપિયા 4.50 લાખની માગણી કરી હતી. જોકે તડજોડના અંતે રૂપિયા 2.25 લાખ નક્કી થયા હતા. ઇજારદાર રૂપિયા 2.25 લાખની લાચ આપવા પણ ઇચ્છતા ન હતા. આથી તેઓએ લાચ વિરોધી શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.જેથી છટકું ગોઠવાતા વિભાગીય અગ્નિસમન અધિકારી નિલેશ પટેલ ઇજારદાર પાસેથી રૂપિયા 2. 25 લાખની લાચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ACB દ્વારા આરોપીના વડોદરા સ્થિત નિવાસ્થાને પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.