સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે યાર્ડના સત્તાધિશો બન્યા એલર્ટ
રાજકોટ: રાજ્યમાં ભર શિયાળે પણ કમોસમી વરસાદ કેડો મુકતો નથી. થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસીદ પડ્યો હતો. હવે ફરીવાર આવતીકાલ તા. 5મીથી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહીના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. કમોસમી વરસાદની આગાહીને લઈને રાજકોટ બેડી યાર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જ પોતાની મગફળી યાર્ડમાં લાવી શકશે.
રાજકોટ બેડી યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવશે. જે ખેડૂતને ટોકન આપવામાં આવે તે જ ખેડુત મગફળી લાવી શકશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી ન પલળે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજકોટ બેડી યાર્ડમાં આજે 150 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા બીજી બાજુ માત્ર બે કલાકમાં 2000 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોએ સંભવિત માવઠા સામે આગોતરી તૈયારીઓ કરી દીધી છે.આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા યાર્ડમાં ખૂલ્લામાં રખાયેલા કૃષિપાકને ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હવામાન વિભાગની આગાહીને લઈ ખેડૂતોને એક મહત્ત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં 1.90.270 હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું છે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે આવતીકાલ તા 5 જાન્યુવારીએ વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. વાતાવરણને પગલે ખેતરમાં ઉભા પાક દિવેલા – કપાસ – રાઇ – વરિયાળી – જીરું – ચણા સહિતના પાકોની કાળજી રાખવી હિતાવહ છે. સાથે ખેડૂતો દ્વારા શાકભાજી કે કાપણી કરેલો પાક ભીંજાય નહિ તે માટે પાકને સુરક્ષિત અથવા ગોડાઉનમાં મુકવા જણાવ્યું છે. માર્કેટ યાર્ડમાં રહેલા પાકોને યોગ્ય જગ્યાએ મુકવા અથવા તાડપત્રીથી ઢાંકી રાખવા ખેડૂતોને જણાવ્યું છે. જો કમોસમી વરસાદ પડે તો ખેતરોમાં ભરાયેલ પાણીનો સત્વરે નિકાલ કરવો. હાલ ખેતરમાં પિયત અને ખાતર નાખવાનું ટાળવું જોઈએ. આગાહીને ધ્યાને રાખી આગમચેતીના પગલાં લેવા ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે.