યાત્રાધામ સ્વચ્છતા અભિયાનઃ ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોએ ધાર્મિક સ્થળોએ સફાઈ કરી
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજથી અમલી બનાવાયેલા ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત પૌરાણિક શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજી, ઉંઝામાં ઉમિયા માતાજી સહિતના મંદિરોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ગયો હતો અને તેઓ શ્રી બાલાજી મંદિર ખાતે ભગવાન કષ્ટભંજન દેવના દર્શન કરી આરતીમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ ભગવાનશ્રી બાલાજી સમક્ષ રાજયના પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ શહેરના વિવિધ વોર્ડના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મહાનુભાવો સાથે સફાઇ કાર્યની શરૂઆત કર્યા બાદ સફાઇ કામદારો સાથે સંવાદ કર્યો હતો. અને સ્વચ્છતા અભિયાનમાં તેમના સહયોગને બિરદાવ્યો હતો.
નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકી એ ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલ રણછોડરાય મંદિરની મુલાકાત લઈને મંદિર પરિસર અને ચોગાન સહિતના સ્થળોએ જાતે જ સફાઈ કાર્ય હાથ ધર્યું હતું. નાયબ મુખ્ય દંડક સાથે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ અને ખેડા જિલ્લાના તમામ ધારાસભ્ય અને ભાજપના આગેવાનો તથા કલેક્ટર કે.એલ.બચાણી પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા પણ મંદિર પરિસર અને ચોગાનના સફાઈ કાર્યમાં જોડાયા હતા. મંદિર પરિસરની સ્વચ્છતા બાદ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ડાકોર મંદિર પાસે આવેલા ગોમતી ઘાટની મુલાકાત લીધી અને ત્યાર બાદ ગોમતી ઘાટના આસ પાસ ફેલાયેલ કચરાને સાફ કરીને ડાકોર અને જિલ્લાના નગરવાસીઓને સ્વચ્છતા જાળવવાની શપથ લેવડાવી હતી.
મહેસાણાની ઓળખ એવી સૂર્યનગરી મોઢેરા ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. યાત્રાધામ બેચરાજી મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારામાં બહુચરના આશીર્વાદ મેળવીને અભિયાનની શરૂઆત કરી હતી. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં પવિત્રતા’’ સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપના નેતાઓ અને કાર્યકરે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ કરી હતી.