આ વાત દરેકના મોઢેથી સાંભળી હશે કે નસીબ એ બહુ જોરદાર વસ્તું છે, તે ગમે ત્યારે પલટી મારી શકે છે જેમાં અમીર હોય એ ગરીબ થઈ જાય અને ગરીબ હોય એ અમીર પણ થઈ જાય, આના વિશે કોઈ અંદાજ પણ લગાવી શકે નહીં. આ વિષયમાં વાત એવી છે કે એક છોકરીએ એકાઉન્ટન્ટની જોબ છોડવાને કારણે લોકોનું ઘણું સાંભળવું પડ્યું હતું. લોકોએ કહ્યું કે તેણે બિઝનેસ કરવાના અને કરોડપતિ બનવાના સપના જોવાનું છોડી દેવું જોઈએ. જોકે આ છોકરીએ પોતાની મહેનતથી એવું કરી બતાડ્યું કે લોકો બોલતા જ બંધ થઈ ગયા. તેણીએ તાજેતરમાં જ પોતાની સફળતાની કહાની શેર કરી છે.
આ છોકરીનું નામ જેન લૂ છે. તે ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે. તેના માતા-પિતા અહીં ચીનથી આવીને વસયા હતા. તેમણે શરૂઆતમાં સિડનીમાં સફાઈકર્મચારી તરીકે કામ શરૂ કર્યું હતું. જેનના પેરેન્ટ્સ એવું ઈચ્છતા હતા કે તે એકાઉન્ટન્ટ બને અને કોઈ કંપનીમાં જોબ કરે. જોકે જેન લૂના મગજમાં બિઝનેસના આઈડિયા હતા. જોકે તે પોતાના માતા-પિતાની વિરુદ્ધ પણ જવા માંગતી નહોતી.
એવામાં 36 વર્ષની જેને માતા-પિતાથી છુપાઈને 2010માં ઓનલાઈન કપડાની એક કંપની શરૂ કરી. તેણે પોતાના પેરેન્ટ્સ સાથે આ વાત 2 વર્ષ સુધી શેર કરી નહોતી. પેરેન્ટ્સને તો એમ જ ખ્યાલ હતો કે તેમની દિકરી જેન એક જાણીતી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જ કામ કરી રહી છે. કારણ કે જેન લૂ રોજ ઓફિસમાંથી ટાઈમે જ નીકળી જતી હતી.
તેણે થોડા સમય પછી Showpo નામથી એક ફેશન કંપની બનાવી. 2012 સુધી સોશિયલ મીડિયા પર આ કંપનીના 20,000થી વધુ ફોલોઅર્સ હતા. જોત જોતામાં આ સંખ્યા વધવા લાગી અને જેનના કપડા વેચાતા ગયા. એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા તેણે જણાવ્યું પહેલા પ્રયત્નમાં મને લાખ રૂપિયાનું મને નુકસાન થયું હતું. જોકે પછીથી મને એક મોલમાંથી જ જથ્થાબંધ કપડા મળવા લાગ્યા. આ કપડા વેચ્યા પછી મોલને પેમેન્ટ કરવાનું હતું. એટલે કે સ્ટાર્ટઅપમાં પોતાના પૈસાનું રોકાણ ન કરવું પડ્યું. શરૂઆતનું એક વર્ષ આમ જ ચાલતું રહ્યું.
જેન લૂ આજે 500 કરોડથી વધુની માલિક છે. તેમની કંપનીનું ટર્નઓવર કરોડમાં છે. તેમની પાસે વિશાળ ઘર, લક્ઝરી કાર બધુ છે. બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા પછી તે માતા બની છે. 2016માં ફોર્બ્સના લિસ્ટમાં પણ તેમનું નામ આવ્યું છે.