- પોલિયો વાયરસનો નવો વેરિએન્ટ
- પશ્વિમ બંગાળમાં જોવા મળ્યો આ વેરિએન્ટ
- કેટલાક પ્રકારના બાળકો માટે માર્ગદર્શિકા જારી કરાઈ
કોલકાતા- દેશમાં ફરી એકવાર પોલિયાનું જોખમ વર્તાઈ રહ્યું છે. ભારતને પોલિયો મુક્ત જાહેર કર્યા બાદ પોલિયો વાયરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો છે. પશ્ચિમ બંગાળના હાવડામાં પોલિયો વાયરસનો નવો પ્રકાર મળી આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે 2011માં હાવડામાં બાળકના શરીરમાં પોલિયો જોવા મળ્યો હતો. આ પછી, 2014 માં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો. પરંતુ આઠ વર્ષ પછી આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ અને કોલકાતામાં પોલિયોનો વાયરસ મળી આવ્યો.
મળતી જાણકારી મુજબ મેટીયાબુરુજ વિસ્તારમાં ગટરના પાણીમાં પોલિયોના જીવાણુઓ મળી આવ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગે મેટીયાબુરુજ વિસ્તારમાં દેખરેખ વધારી છે.આ સાથે જ રાજ્યની તમામ મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 10 વર્ષ બાદ આ વાયરસ મળી આવતા તેને વધુ મહત્વ અપાઈ રહ્યું છે આ સાથે જ યુનિસેફ સાથેના સંયુક્ત પ્રયાસમાં, મેટિયાબુરુઝ વિસ્તારમાં પોલિયો વાયરસ મળી આવ્યો હતો. કોલકાતાના અલગ-અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ક્યારેક આવા સર્વે કરવામાં આવે છે.
સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને પણ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો પર ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ બાળકોના સ્ટૂલ સેમ્પલની ચકાસણી કરવા પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત રસીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.