Site icon Revoi.in

યોગ વિશ્વને ભારતની મહાન ભેટઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી

Social Share

નવી દિલ્હીઃ ગુજરાત અને દિલ્હી સહિત સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશના કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોની સરકારના મંત્રીઓ, રાજકીય આગેવાનો, સુરક્ષા જવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોગ કરીને ઉજવણી કરી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોગ કર્યા હતા. તેમણે કહ્યું, “યોગ એ આપણી સંસ્કૃતિની મહાન સિદ્ધિઓમાંની એક છે અને બાકીના વિશ્વને ભારતની મહાન ભેટ છે. યોગ શરીર અને મનને એકસાથે લાવે છે અને તે જીવન પ્રત્યેનો સર્વગ્રાહી અભિગમ છે. આપણને વધુ સારી સ્થિતિમાં જીવવામાં મદદ કરે છે. આ દિવસે , હું દરેકને તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવવા અને તેની પરિવર્તનશીલ શક્તિનો અનુભવ કરવા વિનંતી કરું છું.”

દિલ્હીમાં યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યોગ કર્યા હતા. આ કાર્યક્રમ બાદ તેમણે કહ્યું કે વિશ્વમાં યોગ પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. વિશ્વમાં ક્યાંય પણ યોગ થાય તો યોગ કરતા લોકોના મગજમાં હિન્દુસ્તાનનું નામ આવે છે કારણ કે તે આપણી ધરોહર છે. દરમિયાન મધ્યપ્રદેશની ઈન્દોરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલના સ્ટાફે યોગ કર્યાં હતા.