લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. ગંગા એક્સપ્રેસ વે 12 જનપુર મેરઠ, હાપુડ, બુલન્દશહર, અમરોહી, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ થઈને પસાર થશે. આ એક્સપ્રેસ વે 6 લેનને હશે જેને પછીથી વધારીને 8 લેનનો કરવામાં આવશે. આ એક્સપ્રેસ-વે માટે અત્યાર સુધી લગભગ 94 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે.
ગંગા એક્સપ્રેસ વે ને ઉત્તરપ્રદેશનો સૌથી લાબો એક્સપ્રેસ વે માનવામાં આવી રહ્યો છે. ગંગા એક્સપ્રેસ વે મેરઠથી પ્રયાગરાજ સુધી ઉત્તરપ્રદેશના 12 જિલ્લામાંથી પસાર થશે. આ એક્સપ્રેસ-વે ઉત્તરપ્રદેશના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે. આ એક્સપ્રેસ-વે મેરઠ-બુલંદશહેર માર્ગ પર મેરઠના બિજોલી ગામથી શરૂ થઈને પ્રયાગરાજ બાયપાસ પર જુડાપુર દાંદુ ગામ પાસે સમાપ્ત થશે.
આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ જ માફિયાઓ ઉપર બુલડોઝર ચાલી રહ્યાં છે. બુલડોઝર ગેરકાયદે ઈમારતો ઉપર ચલાવવામાં આવે છે પરંતુ તેનો દુખાવો તેમને મદદ કરનાઓને થઈ રહી છે. એટલે જ ઉત્તરપ્રદેશની જનતા કહી રહી છે કે, યુપી પ્લસ યોગી એટલે યુપીયોગી બહુ છે.
તેમણે વધુમાં કહ્યું કે, મેરઠમાં એક બજાર છે સતીગંજ, દેશમાં ક્યાંય પણ ગાડી ચોરાય તો અહીં જ કપાતી હતી, તેની ઉપર યોગીજીએ બુલડોઝર ચલાવી દીધું છે. માફિયાઓને સાથ પસંદ છે તે તેમની ભાષા બોલશે પરંતુ આપણે દેશની ભાષા જ બોલીશું. દીકરીઓની સુરક્ષાને લઈને અવાર-નવાર સવાલો ઉભા થાય છે. તેમનું સ્કૂલ-કોલેજ જવુ પણ મુશ્કેલ થઈ ગયું હતું. ક્યારે ક્યાં કોમી તોફાન થઈ જાય તે કહેવુ મુશ્કેલ હતું. પરંતુ છેલ્લા સાડાચાર વર્ષમાં સરકારે સ્થિતિ સુધારી છે. યોગી સરકારે સારુ કામ કર્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, કેટલીક રાજકીય પાર્ટીઓને દેશના વિકાસથી તકલીફ છે. તેમને પોતાના વોટબેંકની ચિંતા છે. તેમને ગંગાજીની સફાઈ અભિયાનથી પણ તકલીફ હતી. આ એ લોકો છે કે આતંકીઓના આકાઓ સામેની કાર્યવાહીનો પણ વિરોધ કરે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવેલી કોવિડ રસી સામે પણ સવાલ ઉઠાવે છે. બાબા વિશ્વનાથના ભવ્ય ધામથી પણ સમસ્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરથી પણ તેમને તકલીફ છે. તેમણે કહ્યું કે, જ્યારે ઉત્તરપ્રદેશ એક સાથે આગળ વધ્યું છે ત્યારે દેશ આગળ વધ્યો છે.