Site icon Revoi.in

યોગી સરકાર કુખ્યાત માફિયા અતીક અહેમદએ પચાવેલી જમીન ઉપર ગરીબો માટે આવાસ બનાવશે

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે કુખ્યાત ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે. એટલું જ નહીં ગુનાખોરીથી એકત્ર કરેલી મિલકત પણ જપ્ત કરી લેવામાં આવે છે. હવે માફિયાઓ પાસેથી ખાલી કરાયેલી સરકારી જમીનો પર ગરીબો માટે સસ્તા મકાનો બનાવાનો નિર્ણય લેવાયો છે. પ્રયાગરાજમાં પૂર્વ સાંસદ અને ભૂમાફિયા અતીક અહેમદના કબજામાંથી ખુલદાબાદના લુકરગંજ વિસ્તારમાં ખાલી કરાયેલી સરકારી જમીન પર ગરીબો માટે આવાસ બનાવવામાં આવશે. 26 ડિસેમ્બરે સીએમ યોગી આદિત્યનાથ તેનો શિલાન્યાસ કરશે.

રાજ્યના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે વહીવટી અધિકારીઓ સાથે જમીનનું નિરીક્ષણ કર્યું હતું. કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, માફિયા અતીકના કબજામાંથી મુક્ત કરાયેલી આ જમીન પર ગરીબો માટે આશ્રય બનાવવામાં આવશે. અહીં ગરીબો માટે 75 ફ્લેટ બનાવવાની યોજના છે.

અગાઉની સરકાર પર પ્રહાર કરતા સિંહે કહ્યું કે, સપાના સમયમાં શહેર કબજે કરવાનો યુગ ચાલી રહ્યો હતો. જમીન માફિયાઓ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવતા હતા. ત્યારપછી તેઓ આતંક ફેલાવતા હતા, પરંતુ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારથી સરકારી જમીનોને અતિક્રમણ મુક્ત કરાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે અંતર્ગત આ જમીન પરત લેવામાં આવી છે. તેના પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.

મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું હતું કે અગાઉની સરકારો દરમિયાન જ્યાં અતીક અહેમદ એન્ડ કંપનીનો કબજો હતો, તે જમીનનું પૂજન કરીને શિલાન્યાસ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે તેઓ જે કહ્યું હતું તે પૂરું કર્યું છે.