યોગી સરકારની જાહેરાત,યુપીમાં 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે
- ઉતર પ્રદેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો
- યોગી સરકારે કરી મહત્વની જાહેરાત
- 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે
- બાળકોને શાળાએ આવવાની અનુમતિ નહીં
લખનઉ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે સરકારે શાળા ખોલવાનો નિર્ણય પણ લીધો છે. મૂળભૂત શિક્ષણ પરિષદના સચિવ પ્રતાપ સિંહ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ હુકમમાં કહેવામાં આવ્યું છે કે, ધોરણ એક થી આઠ સુધીની તમામ શાળાઓ જુલાઇથી ખુલી જશે. જો કે, ઓર્ડરમાં સ્પષ્ટ કહ્યું છે કે, બાળકોને બોલાવવામાં આવશે નહીં. શાળાઓ ફક્ત વહીવટી કામ માટે ખુલશે. જરૂરિયાત મુજબ શાળાઓમાં અધ્યાપન અને નોન ટીચિંગ સ્ટાફની હાજરી રહેશે. આગામી આદેશ સુધી શાળામાં કોઈ અધ્યાપન કાર્ય નહીં થાય. ઇ-પાઠશાળા દ્વારા વર્ગો ચલાવવામાં આવશે.
મૂળભૂત શિક્ષણ પરિષદની શાળાઓ ઉનાળાની રજાઓ પછી 15 જૂનથી ખોલવાની હતી. પરંતુ હવે કાઉન્સિલે પોતાનો નિર્ણય બદલીને 30 જૂન સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તમામ બાળકોનું શાળામાં નામાંકન થશે. તેમના મધ્યાહ્ન ભોજનના પૈસા તેમને તેમના ખાતામાં આપવામાં આવશે. તેમને વિના મૂલ્યે પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. ઇ-પાઠશાળાનું સંચાલન મિશન પ્રેરણા હેઠળ કરવામાં આવશે. આ સાથે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓની હાજરીનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે.