Site icon Revoi.in

ઉ.પ્ર.માં યોગી સરકાર 2.0માં 6 જિલ્લાના નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરવાની માંગણી

Social Share

લખનૌઃ યુપીમાં ફરી એકવાર શહેરોના નામ બદલવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું છે. જેમાં લગભગ 12 જિલ્લાઓનો સમાવેશ થાય છે, પરંતુ હાલમાં 6 જિલ્લાઓથી શરૂઆત કરાશે. જે જિલ્લાઓના નામ બદલવાની માંગ કરવામાં આવી છે તેમાં અલીગઢથી હરિગઢ અથવા આર્યગઢ, ફર્રુખાબાદથી પંચાલ નગર, સુલતાનપુરથી કુશભવનપુર, બદાયુને વેદ મઉ, ફિરોઝાબાદથી ચંદ્ર નગર અને શાહજહાંપુરની જગ્યાએ શાજીપુર કરવાની માગ ઉઠી છે.

યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી હોવા ઉપરાંત ગોરખપુરના પ્રખ્યાત ગોરખનાથ મંદિરના ‘મથાધીશ’ પણ છે. ગોરખપુરના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા વિસ્તારોના નામ બદલી નાખ્યા હતા. આમાં ઉર્દૂ બજારને હિન્દી બજાર, હુમાયુપુરથી હનુમાન નગર, મીના બજારને માયા બજાર અને અલીનગરથી આર્ય નગરમાં ફેરવવામાં આવ્યું હતું. યોગી સરકારના અગાઉના કાર્યકાળમાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ પં. દીનદયાળ ઉપાધ્યાયના નામ પર રાખવામાં આવ્યું હતું, અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 6 જિલ્લા એવા છે જેના નામ બદલવા મુદ્દે આંતરિક સહમતિ થઈ ગઈ છે. તેમજ વધુ નક્કર ઐતિહાસિક પુરાવા સાથેની દરખાસ્ત આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવા માટે તૈયાર છે.

અલીગઢ વહીવટીતંત્રના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “રાજકારણ અને ઇતિહાસના પ્રોફેસરની સાથે સંખ્યાબંધ બૌદ્ધિકોને ગયા વર્ષે જિલ્લાના ઇતિહાસ અને રાજકારણ પર સંશોધન કર્યા પછી નવું નામ સૂચવવા માટે કહેવામાં આવ્યું હતું. છ મહિના પહેલા હકીકતો સાથે નવા નામની પણ સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. ધારણા છે કે આ વખતે વિધાનસભા સત્રમાં દરખાસ્ત મંજૂર થઈ જશે.