- આગામી ચુંટણીને લઇ ભાજપ દ્વારા દલિતોને રીઝવવાના પ્રયાસ
- યોગી સરકાર લખનઉમાં બનાવશે આંબેડકર સ્મારક
- બાબાસાહેબની 25 ફૂટ ઉંચી પ્રતિમા સ્થાપિત કરાશે
લખનઉ : આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દલિતોને રીઝવવા માટે મોટો દાવ રમવાની તૈયારી કરી રહ્યું છે. યોગી સરકાર ટૂંક સમયમાં લખનઉમાં આંબેડકર સ્મારક બનાવવા જઈ રહી છે. એક અંદાજ મુજબ આ સ્મારક બનાવવા માટે લગભગ 45 કરોડ રૂપિયા ખર્ચ થશે. સમાચારો અનુસાર બસપાની પરિવર્તનની જગ્યાના જવાબમાં ભાજપ સરકાર હવે આંબેડકર સ્મારક બનાવવાની તૈયારી કરી રહી છે.
બીજેપી 29 જૂને લખનઉમાં આંબેડકર કલ્ચરલ સેન્ટરનો શિલાન્યાસ કરવાની યોજના બનાવી રહી છે. આંબેડકર સ્મારકનો શિલાન્યાસ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડો.ભીમરાવ આંબેડકર સામાજિક પરિવર્તન સ્થળેની તર્જ પર બનાવવામાં આવનાર સ્મારકમાં બાબા સાહેબની 25 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
ડો.આંબેડકર કલ્ચરલ સેન્ટર ખાતે એક ઓડિટોરિયમ પણ બનાવવામાં આવશે. જેમાં પુસ્તકાલય, સંગ્રહાલય સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપસ્થિત રહેશે. લખનઉના એશબાગ વિસ્તારમાં ભાજપે આંબેડકર કલ્ચરલ સેન્ટર સ્થાપવાનું નક્કી કર્યું છે.
આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે દરેક જાતિ અને વર્ગને રીઝવવાની કવાયત શરૂ કરી દીધી છે. દલિત વોટબેંકને તેના પક્ષમાં બનાવવા ભાજપ હવે બાબાસાહેબ આંબેડકરનો સહારો લઈ રહ્યું છે.