અમદાવાદઃ રાજ્યની સરકારી યુનિર્સિટીઓમાં રાજ્યપાલ અને સરકારના નિયત કરેલા ક્વોટા મુજબ ભલામણ કરેલા પ્રતિનિધિઓની સેનેટ અને સિન્ડિકેટના સભ્યો તરીકે નિમણુંકો કરતી હોય છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં સેનેટ-સિન્ડિકેટ સભ્ય બનવા માટે યુવા ભાજપની ટીમ થનગની રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં સૌરાષ્ટ્ર અને વડોદરાની એમએસ યુનિ.માં નિમણૂક આપતા યુવા નેતાઓએ તેમના ગોડફાધર નેતાઓનું લોબિંગ શરૂ કરી નિમણૂક મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. દરમિયાન ભાજપના યુવા નેતા અમિત ઠાકરનાં પત્ની હેમલ ઠાકરને એમએસ યુનિ.માં સિન્ડિકેટ સભ્ય બનાવાયાં છે.
દરેક યુનિવર્સિટીમાં રાજ્ય સરકાર અને રાજ્યપાલ તેમના પ્રતિનિધિ તરીકે સેનેટ-સિન્ડિકેટ સભ્યની સીધી નિયુક્તિ કરે છે અને આવી જોગવાઈ પણ છે, રાજ્ય સરકારે તાજેતરમાં જ યુવા ભાજપ અને ભાજપના નેતાઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટીમાં નિયુક્તિ આપી છે. આ નિમણૂકોની જાહેરાત થતા જ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટ સભ્ય બનવા માટે યુવા ભાજપના નેતાઓમાં હોડ જામી છે.
આમ પણ સ્થાનિક સ્વરાજ્ય અને કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટરની ટિકિટની દાવેદારીમાં કપાઈ જનારા નેતાને મનાવવા માટે એક તક છે. નારાજ નેતાની ભલામણને માન્ય રાખીને તેના જૂથના નેતાને પદ આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.