Site icon Revoi.in

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કાલે ગુરૂવારે સુરતની કોર્ટમાં માનહાનીના કેસમાં હાજર થશે

Social Share

સુરતઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા ગત લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના સંબોધનમાં એક નિવેદન આપવામાં આવ્યુ હતુ. તેને લઈને તેની સામે સુરત કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસનો આવતીકાલે તા. 23 માર્ચના રોજ ચૂકાદો આવે તેવી શક્યતા છે. આવતી કાલે સુરતની કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી આવશે. જેને લઇને કોંગ્રેસના નેતાઓ , સુરત શહેર અને જિલ્લાના હોદ્દેદારોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીનું શાનદાર સ્વાગત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત સુરત આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વાત કરી હતી. જેમાં તેમણે નિરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદી સરનેમનો ઉલ્લેખ કર્યો હોવાથી સુરત પશ્ચિમના  ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત સેશન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ચુકાદાની તારીખ 23 માર્ચ આપવામાં આવી છે. રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપશે. જેને લઈને કોંગ્રેસના નેતાઓ સુરત આવી પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, રઘુ શર્મા અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત આવી પહોંચ્યા છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરીને સમગ્ર દેશમાં એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. 4000 કિલોમીટર ચાલીને તેમણે દરેક વ્યક્તિને મળીને દેશમાં એકતા અને સોહાર્દ જાળવી રાખવા માટે પ્રયાસ કર્યો છે. જે એક તપાસ્યા સમાન છે. રાહુલ ગાંધી સામે જે કેસ થયો છે. તેમાં પોતે હાજરી આપવા માટે આવી રહ્યા છે. ત્યારે ભારત જોડો યાત્રા પૂર્ણ થઈ ગયા બાદ પહેલી વખત રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. માટે સુરત ખાતે તેમના ભવ્ય સ્વાગત માટેની તૈયારી કરી રહ્યા છે. સવારથી બપોર સુધીમાં અલગ અલગ હોદ્દેદારોની સાથે બેઠક કરી રહ્યા છે. રાહુલ ગાંધીના સ્વાગત માટે આયોજન કરવાનું શરૂ કરાયું છે.(file photo)