મોબાઈલમાં ખોવાયેલા રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સોઃ વડોદરામાં મોબાઈલમાં વ્યસ્ત યુવાનનું બસની અડફેટે મોત
અમદાવાદઃ ગુજરાત સહિત છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક જમાનાની સાથે લોકો પણ આધુનિક બન્યાં છે આજના ડીજીટલ જમાનામાં લોકો સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો છે. જો કે, કેટલાક લોકો મોબાઈલ ફોનમાં એટલા ખોવાયેલા લોકો આસપાસની દુનિયાને ભૂલી જાય છે. ત્યારે કેટલીક વાર આવી વ્યક્તિઓ મોબાઈલમાં વ્યસ્તનના કારણે જ જીવ ગુમાવતા હોવાનું સામે આવ્યું છે. આવી જ સમાજમાં લાલબતી સમાન ઘટના વડોદરોમાં સામે આવી છે. મોબાઈલમાં વ્યસ્ત યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે તેને સામેથી આવતી બસ પણ નજરે પડી ન હતી અને બસની અડફેટે યુવાનનું મોત થયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તરપ્રદેશનો સચિન કશ્ચપ વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં પીપળીયા ગામ પાસે આવેલી હોસ્પિટલ આવ્યો હતો. હોસ્પિટલમાંથી યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવાન પોતાના મોબાઈલમાં ખોવાયેલો હતો. તેમજ રોડ ઉપરથી પસાર થતા વાહનોથી અજાણ હતો. દરમિયાન સામેથી આવતી બસે યુવાનને અડફેટે લીધો હતો. આ દૂર્ઘટનામાં સચિન કશ્ચપનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતની આ ઘટના હોસ્પિટલના દરવાજા પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવમાં પોલીસે બસ ચાલક હિરાભાઈ બારિયા સામે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. દરમિયાન સીસીટીવી કેમેરાના ફુટેજ સામે આવ્યાં હતા. જેમાં રોડ પરથી પસાર થતો સચિન મોબાઈલમાં વ્યસ્ત હોવાનું નજરે પડતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.