Site icon Revoi.in

ગુજરાતી ફિલ્મોના યુવા પટકથા લેખક રામ મોરીનું એનઆઇએમસીજે દ્વારા સન્માન કરાયું

Social Share

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા એક અનોખા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. “કચ્છ એક્સપ્રેસ” જેવી સુપરહિટ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મના પટકથા લેખક રામ મોરીનું શાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે પોતાની સાહિત્ય સર્જન યાત્રાને વર્ણવતા તેમણે કહ્યું કે વૈશ્વિકીકરણની સફળતા તો આપણા સાંસ્કૃતિક મૂળને જાળવી રાખવાથી જ થશે. તેમણે બધાને ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રથાને જાણવા અને આગળ ધપાવવાં પ્રેરિત કર્યા હતા. વધુમાં તેમણે, સર્જનાત્મક લેખન કેવી રીતે શરૂ કરવું તેનું માર્ગદર્શન વિવિધ ઉદાહરણો સાથે આપ્યું હતું.આ ઉપરાંત તેમણે કહ્યું કે નિષ્ફ્ળતાથી ગભરાઈ ના જવું ને હંમેશા પોતાના કાર્ય અને કુશળતા પર ભરોસો રાખવો. આ જ અભિગમને કારણે તેઓ માત્ર ૨૨ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર સૌ પ્રથમ ભારતીય યુવા લેખક તરીકે જાણીતા થયા. ‘મહોતું’ નામક વાર્તાસંગ્રહે તેમની પ્રગતિ અને પ્રસિદ્ધિને અનેક ગણી વધારી. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને લોકગીત સંભળાવ્યું અને તે લોકગીતનો મર્મ પણ સમજાવ્યો.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના નિયામક ડૉ. શિરીષ કાશીકર, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા , ગરીમા ગુણાવત ,નાયબ નિયામક ઇલાબેન ગોહિલ,લાઇબ્રેરીયન માનસી સરવૈયા અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.