અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. રાજ્યમાં કોરોનાના કેસમાં અમદાવાદ શહેર સૌથી મોખરે છે. ત્યારે હજુપણ ઘણાબધા વોકો કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરતા નથી. માસ્ક પહેરતા નથી. આમ કોરોનાના નિયમો અંગે બેદરકારી જોવા મળી રહી છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ આવી સ્થિતિ છે. અમદાવાદ પછી કોરોનાના કેસમાં સુરતનો બીજો નંબર આવે છે. ત્યારે અમદાવાદ અને સુરત બંને સ્થળે ખૂલ્લા મેદાનોમાં યુવાનો બિન્દાસ્તથી ક્રિકેટ રમી રહ્યા છે. ક્રિકેટના ખૂલ્લા ગ્રાઉન્ડ પર એટલા બદા યુવાનો હોય છે કે તેઓ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરતા નથી.
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે છતાં આજે રવિવારે જીએસડીસી નજીક યુનિના ખૂલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.. ક્રિકેટ રમતા યુવાનોએ ન તો માસ્ક પહેર્યું હતું કે ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતુ. એક તરફ શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ બમણી ગતિથી ફેલાઈ રહ્યું છે. બીજી તરફ આવા દ્રશ્યો ચિંતાજનક છે. કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો GMDC યુનિ, ગ્રાઉન્ડમાં જોવા મળ્યા. આ ગ્રાઉન્ડથી પોલીસ સ્ટેશન પણ ખૂબ જ નજીકમાં છે. આમ છતાં પોલીસ જાણે આંખ આડા કાન કરી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી છે. આ ઉપરાંત રિવર ફ્રન્ટ પર પણ યુવાનો ક્રિકેટ રમવા માટે મોટી સંખ્યામાં ભેગા થતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે.
અમદાવાદ જ નહીં પણ સુરત શહેરમાં પણ હજુ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. શહેરના મોટાભાગના ગ્રાઉન્ડમાં યુવાનો અને વિદ્યાથીઓ ક્રિકેટ રમતા જોવા મળ્યા. સુરત શહેરના ઉમરા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા અને કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. ક્રિકેટના ગ્રાઉન્ડમાં એક પણ યુવાન માસ્ક પહેરેલો જોવા મળ્યો ન હતો. સુરતમાં પણ જે જગ્યાએ યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા, તેની નજીક જ પોલીસ સ્ટેશન છે. જો કે અહીં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. (file photo)