આદ્યશક્તિ અંબાજીના દર્શન કરીને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારાર્થે યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં યુવા કોંગ્રેસ દ્વારા યાત્રાધામ અંબાજીથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાંથી પસાર થશે.ખાસ કરી આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસો હાથ ધરાશે
ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો પ્રારંભ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરીને અંબાજીથી યુવા પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાંથી પસાર થશે. ખાસ કરી આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસો હાથ ધરાશે. અંબાજી ખાતે આ પરિવર્તન યાત્રા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર તેમજ યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ, મહિલા મોરચો તેમજ તાલુકા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી આ યુવા પરિવર્તન યાત્રા સફળ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.અને માં અંબેના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા
અંબાજીમાં પરિવર્તન યાત્રાના પ્રારંભે જાહેર સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા..આગામી સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવવાની હાંકલ કરાઈ હતી.ત્યાર બાદ યુવા પરિવર્તન યાત્રાને વાજતે ગાજતે સાબરકાંઠા તરફ પ્રયાણ કરાઈ હતી.જોકે આ યાત્રા અંબાજીથી ઉમરગામનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ બીજા ફેજમાં સોમનાથથી સુઈગામ સુધીની યાત્રા યોજાશે.
કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રામાં યુવાઓના પ્રશ્નો ઉઠાવવામાં આવશે. અને કોંગ્રેસની સરકાર બનશે તો 10 લાખ નોકરી અને બેરોજગારી ભથ્થાની વાત લઈ યાત્રા 2100 કિલોમીટર ફરશે. જેમાં રાજ્યમાં ફિક્સ વેતન, ટાટ-ટેટ, એલ આર ડી, સહિતના અનેક આંદોલનો ચાલી રહ્યા છે. કે, જે સીધી રીતે યુવાઓને અસર કરે છે. સરકારની નીતિઓથી નારાજ યુવાઓને કોંગ્રેસ પક્ષ સાથે જોડવા યુથ કોંગ્રેસ રાજ્યના 27 જિલ્લાઓને સમાવતી ‘યુવા પરિવર્તન યાત્રા’ શરૂ કરશે. આગામી 22 સપ્ટેમ્બરથી અંબાજી માના દર્શન કરી અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે બીજા તબક્કામાં દશેરાએ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથથી સુઈગામની યાત્રા કરાશે .2100 કિલોમીટરની યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા અને સાંજે મશાલ રેલીનું આયોજન કરી વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવા પ્રયત્ન કરાશે.
‘યુવા પરિવર્તન યાત્રા’ અંગે વાતચીત કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે 27 વર્ષના ભાજપના શાસનમાં સૌથી વધુ સહન કરવાનું કોઈને આવ્યું હોય તો તે ગુજરાતના યુવાનો છે. ગુજરાતમાં 40 લાખથી વધુ શિક્ષિત યુવાનો માટે પૂરતા રોજગારની વ્યવસ્થા નથી, બીજી તરફ કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ દ્વારા ગુજરાતના યુવાનોનું સુનિયોજીત શોષણ કરવામાં આવી રહ્યું છે. 20થી વધુ સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર ફૂટવા, વારંવાર પરીક્ષાઓમાં ગેરરીતિ, નિમણુંકમાં વિલંબ સહિતના પ્રશ્નોથી ગુજરાતના યુવાનો ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે ત્યારે યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે.