યુવા કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયા બોલ ‘કાર્યક્રમ સિઝન-4’ લોન્ચ કરાયું, 20મી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે
અમદાવાદઃ ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ ‘સિઝન-4’ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી થઈ શકશે. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઓમ જાટ જણાવ્યું હતું કે, યુવાનો રાજનીતિમાં આવે તે માટેનું યંગ ઈન્ડિયા બોલ એક અનોખુ પ્લેટ ફોર્મ છે.
યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમમાં આ પ્રતિયોગિતામાં વિજેતા થનારને આગામી સમયમાં દિલ્હી ખાતે યોજનાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્લેટફોર્મ આપવામાં આવશે. આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ કે, પોતાની વાત રજુ કરવા માટેની આઝાદી મળી રહી નથી ત્યારે યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ પોતાની વાત રજુ કરવા માટે યુવાનોને પ્લેટ ફોર્મ પુરુ પાડશે, ભ્રષ્ટાચાર અને તાનાશાહી સરકાર યુવાનોને દબાવી રહી છે ત્યારે યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ થકી સરકાર સામે અવાજ ઉઠાવી શકાશે. યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 20 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.
યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમમાં સ્થાનિક, પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરની સમસ્યા વિશે અસરકારક વાત રજુ કરનારે સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 18 થી 40 વર્ષ સુધી લોકો ભાગ લઈ શકશે એવુ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના પૂર્વપ્રમુખ નેટ્ટા ડીસોઝા, ગુજરાત પ્રદેશ મીડીયા પ્રભારી સચિન સાવંત, ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશી, હેમાંગ રાવલ, મનહર પટેલ, મહિરેન બેંકર, સંજય ગઢવી અને યુવા કોંગ્રેસના પ્રવક્તા સુભાન સૈયદ, શરીફ કાનૂગા, જયમીન સોનારા અને અમદાવાદ યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઉપસ્થિત રહ્યા.