Site icon Revoi.in

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ભીમનાથ બ્રિજ પાસે મગર યુવાનને ખેંચી ગયો, અંતે મળ્યું મોત

Social Share

વડોદરાઃ  શહેરની વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોવાને કારણે અનેક વાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના તેમજ બકરા, કુતરા અને માનવી પર હુમલાના બનાવ બનતા હોય છે. ત્યારે  વિશ્વામિત્રી નદીના ભીમનાથ બ્રિજ નજીક એક મહાકાય મગર એક યુવાનને ખેચી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. અને મગરના મોંમાથી યુવાનને છોડાવ્યો હતો. પણ યુવાનું મોત નિપજ્યુ હતુ.

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગુરૂવારે સવારે એક યુવકને મગર ખેંચી જતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને નદીમાં બોટ ઉતારી મગરને પથ્થરો મારી દૂર હડસેલતા મગરે પોતાના જડબામાં રહેલા યુવકને છોડી દીધો હતો. બાદમાં ફાયરની ટીમે યુવકને એક કલાકની ભારે જહેમત બાદ કાઢ્યો હતો પણ તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

વીએમસીના ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં ગુરૂવારે સવારે એક યુવકને મગર નદીમાં ખેંચી ગયો હતો. આ ઘટના કોઈ વ્યક્તિએ જોતા તુરંત જ દાંડિયા બજાર ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સમયે મગર યુવકને ખેંચીને લઈ જઈ રહ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, નદીમાં ઘણા મગર હોવાથી ફાયર બ્રિગેડની ટીમને રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મગર યુવકના મૃતદેહને ખેંચીને દૂર લઈ જઈ રહ્યો હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં વિઘ્ન આવ્યું હતું. જોકે, એક કલાકની મહેનત બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. વિશ્વામિત્રી નદીમાં મગર યુવકને ખેંચી ગયા હોવાનો મેસેજ મળતા ભીમનાથ બ્રિજ પર લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જતા પોલીસે લોકોને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડોદરા શહેરમાંથી 17 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર છે. આ સિવાય આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાનાં તળાવો મળી અંદાજે એક હજાર જેટલા મગર છે. એક માદા મગર 20થી 22 ઈંડાં મૂકે છે, જેમાંથી સમય જતા માત્ર એકાદ બચ્ચું જીવે છે.