- વક્તૃત્વ સ્પર્ધાના વિષયો જાહેર કરાયા,
- યુવક મહોત્સવમાં 67 કોલેજના 1050 વિદ્યાર્થી કરશે કલાની પ્રસ્તુતિ,
- પાંચ વિભાગમાં 32 જેટલી સ્પર્ધાઓ યોજાશે
ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તા.17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન ભાવ સ્પંદન યુવક મહોત્સવ યોજાશે. યુનિના આંતર કોલેજ યુવક મહોત્સવના ભાગરૂપે 16 ઓક્ટોબરે કાર્યકારી કુલપતિ મહેશ એમ.ત્રિવેદીની અધ્યક્ષતામાં બપોરે 3.30 વાગે કલા યાત્રાનું પ્રસ્થાન થશે. આ કલાયાત્રામાં વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ ઝાંખી રજૂ કરશે. સમગ્ર કલા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને યુનિવર્સિટી દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કલા યાત્રાનું પ્રસ્થાન શહેરના મેયર ભરત બારડ અને એસપી હર્ષદ પટેલ હસ્તે કરાવાશે. આ યુવક મહોત્સવમાં યુનિવર્સિટી દ્વારા પાંચ વિભાગમાં 32 જેટલી સ્પર્ધાઓમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં 67 કોલેજના 1050થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિ.ના યુવક મહોત્સવમાં યુનિ સંલગ્ન તમામ કોલેજો અને ભવનોને કલા યાત્રામાં ભાગ લેવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો વિવિધ સ્પર્ધાના ટીમ મેનેજરોની ઉપસ્થિતિમાં દરેક સંસ્થાને અલાયદા નંબરનો કોડ આપવામાં આવ્યો હતો જે સ્પર્ધામાં સંસ્થાના નામની ગુપ્તતા અને સ્પર્ધાની પારદર્શિતા લાવવા મદદરૂપ થશે તેમ શારીરિક શિક્ષણ નિયામક દિલીપસિંહ ગોહિલ જણાયું હતું. યુવક મહોત્સવમાં યોજાનારી વક્તૃત્વ સ્પર્ધાના વિષયો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભારતની વિદેશ નીતિ કેટલી કારગત ?, ઇન્ટરનેટ અદ્રશ્ય થઈ જાય તો ?, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ, આત્મહત્યા એ ઉકેલ કરો ? કોરોના, ભૂલવો તો છે પણ…. તથા મારા સ્વપ્નનું વિકસિત ગુજરાત જેવા વિષયો છે. યુનિવર્સિટીમાં યુવક મહોત્સવ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.