ઓનલાઈન ગેમ્સ મનોરંજનના નામે જુગાર રમાડવાનો જુગાડ ?
(દીપક દરજી)
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જુગાર ઉપર પ્રતિબંધ છે અને તીનપત્તી સહિતના પત્તાનો જુગાર, વર્લીમટકુ અને ક્રિકેટ સટ્ટા સહિતના જુગારના કેસ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા દરોડા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આધુનિક અને હાઈટેકના જમાનામાં જુગાર પણ નવા સ્વરૂપમાં રમાઈ રહ્યો છે, અનેક કંપનીઓએ મનોરંજનના નામે ઓનલાઈન ગેમ્સ એપ્લિકેશન લોન્ચ કરી છે એટલું જ નહીં આવી એપ્લિકેશન મારફતે લાખો રૂપિયા જીતવાની લોભામણી લાલચ પણ આપવામાં આવે છે.
ફિલ્મ સ્ટાર અને ક્રિકેટર સહિતની સેલિબ્રિટી તગડી ફી વસુલીને આવી એપ્લિકેશનનો પ્રચાર કરે છે. જુગાર ઉપર પ્રતિબંધ હોવા છતા મનોરંજનના નામે યુવાનોને ઓનલાઈન ગેમ્બલીંગના રવાડે ચડાવતી આવી મોબાઈલ એપ્લિકેશન અંગે સરકાર કે પોલીસ અજાણ હોય તેમ કોઈ આકરી કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની ચર્ચા વહેતી થઈ છે. એન્ટરટેઈનમેન્ટના નામે યુવાનોના ભાવિ સાથે રમવાની આવી મોબાઈલ એપ્લિકેશનના સંચાલકોને કોણે અને કેમ મંજુરી આપી તેવા સવાલો ઉભા થયાં છે.
સરકાર અને પોલીસ સહિતની એજન્સીઓ સફાળી જાગે અને કાયદાની છટકબારીનો ગેરલાભ ઉઠાવીને યુવાનોને ઓનલાઈન ગેમ્બલીંગના રવાડે ચઢાવતી મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ સામે કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે. યુવાનોને કેટલીક એપ્લિકેશન પર ક્રિકેટ ટીમ બનાવીને રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવી રહી છે અને કેટલીક એપ્લિકેશનમાં ગેમ રમવા માટે રૂપિયા આપવામાં આવે છે, હવે જાણકારોનું આ બાબતે કહેવું છે કે આ પ્રકારની આદતો જો બાળકોને પડી જાય તો તેમને ભવિષ્યમાં કોઈ અન્ય કામ કરવાની ઈચ્છા નહીં થાય અને તેઓ રૂપિયા કમાવવા આવા શોર્ટકટ રસ્તાઓ પકડી શકે છે.
કોરોના મહામારીને પગલે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન પુરુ પાડવામાં આવ્યું હતું. બે વર્ષ સુધી ઓનલાઈન એજ્યુકેશનના કારણે હવે વિદ્યાર્થીઓ સમાર્ટફોન અને તેની અંદરની નવી ટેકનોલોજીથી જાણકાર થઈ ગયા છે. બીજી તરફ કમાવી લેવાની લહાયમાં અનેક કંપનીઓએ ગેમ્સ એપ્લિકેશન શરૂ કરી છે. જેમાં ઈનામ અને નાણા જીતવાની લોભામણી લાલચ આપવામાં આવે છે, એટલું જ નહીં બાળકોને ગેમ્સથી દૂર રાખવા અને ગેમ્સથી આદત પડવાની શરતો દર્શાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ મોટાભાગના યુવાનોના સમાર્ટફોનમાં આવી ગેમ્સ એપ્લિકેશન જોવા મળે છે. અનેક યુવાનો અને બાળકો વ્યવસાય અને અભ્યાસને સાઈડમાં મુકીને મોટાભાગનો સમય ગેમ્સ રમવા પાછળ વિતાવે છે. એટલું જ નહીં આવી એપ્સ મારફતે જ અનેક યુવાનો ક્રિકેટ ઉપર સટ્ટો રમતા હોવાનું જાણકારો માને છે.
સાયબર એક્સપર્ટના જણાવ્યા અનુસાર દેશમાં જુગાર ઉપર પ્રતિબંધ છે પરંતુ કેટલાક લોકો કાયદાની છટકબારીનો ગેરલાભ ઉઠાવીને લોટરી સહિતની વસ્તુઓ ચલાવે છે. મોબાઈલ ગેમ્સ એપ્લિકેશનની મંજૂરી અને તેની ઉપર નજર રાખવા માટે સરકાર દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. પરંતુ આવી મોટાભાગની એપ્લિકેશન એન્ટરટેઈનમેન્ટ એટલે કે મનોરંજનના નામે ચલાવવામાં આવે છે. તેમજ લાખો અને કરોડો રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવે છે. આવી ગેમ્સમાં વપરાશકારો પાસેથી કોઈ પૈસા લેવામાં આવતા નહીં હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ અનેક ગેમ્સ એપ્લિકેશન પેએબલ છે. અગાઉ પણ કેટલીક ખતરનાક કહી શકીએ તેવી ગેમ્સ સામે આવી હતી. આવી ગેમ્સમાં ટાસ્ક પૂર્ણ કરવામાં કેટલાક બાળકો અને યુવાનોએ જીવ ગુમાવ્યાનું સામે આવ્યું હતું. હાલ મનોરંજનના નામે ચાલતી કેટલીક ગેમ્સ એપ્લિકેશન એટલે કે ઓનલાઈન ગેમ્બલીંગ પ્લેસ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તથા અન્ય એજન્સીઓ વામણી પુરવાર થતી હોવાનું ચર્ચાય છે. સરકારે જ યોગ્ય તપાસ કરીને આવી એપ્લિકેશન અને વેબસાઈટ સામે કાર્યવાહી કરવી જોઈએ.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) સમક્ષ ઓનલાઈન ગેમ્બલીંગને ગંભીર ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે, સરકાર અને પોલીસ જુગારની બદી અટકાવવા માટે કામ કરી રહી છે. ઓનલાઈન ગેમ્બલીંગ તરીકે ઓળખાતી મોબાઈલ ગેમ્સ એપ અંગે ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.
રિયલ વોઈસ ઓફ ઈન્ડિયાને અમદાવાદ સાઈબર ક્રાઈમના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ ભારતમાં અનેક એપ મારફતે ગેમ્સથી પૈસા કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવે છે. તેમજ ક્રિકેટને લઈને પણ કેટલીક એપ્સ ઉપલબ્ધ છે. આવી એપ્સ સામે ઓનલાઈન ગેમ્બલીંગના ગુના હેઠળ કાર્યવાહી કરી શકાય, આ દિશામાં અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમો પણ તપાસ કરી રહી છે. પરંતુ આવી એપ્સ ક્યાંથી હોસ્ટીંગ થાય છે તે જાણવું ખુબ મહત્વનું હોય છે. એટલું જ નહીં આવી એપ્સ સામે કાર્યવાહી કરવા માટે ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરવો જરૂરી છે. જેની કામગીરી હાલ અમારા દ્વારા કરવામાં આવી રહી છે. કેટલીક એપ્સ કાયદાની છટકબારીઓ શોધીને એન્ટરટેઈમેન્ટના નામે સટ્ટો રમાડતી હોવાનું મનાય છે. આવી કેટલીક એપ્સ ઓનલાઈન ગેમ્બલીંગ કરાવી રહી છે તે પુરવાર કરવુ પડે છે, જેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે તેમની ડીટેલમાં સ્ટડી કરવી પડે છે જે હાલ સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.