ભારતને 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતના હીરો રહેલા યુવરાજસિંહે સોમવારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે.
યુવરાજસિંહે મુંબઈની સાઉથ હોટલમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે.
ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજસિંહે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. યુવરાજસિંહે ભારતને 2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2011નો વિશ્વકપ જીતાડવામાં સિંહફાળો આપ્યો હતો. 2017 બાદથી જ તેમની પસંદગી ભારતીય ટીમમાં થઈ રહી ન હતી. જણાવવામાં આવે છે કે 37 વર્ષીય યુવરાજ આઈસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે. તેમને જીટી-20 (કેનેડા), આયરલેન્ડ અને હોલેન્ડમાં યુરો ટી-20 સ્લેમ રમવાની ઓફર મળી રહી છે.
આ સ્ટાયલિશ લેફ્ટ હેન્ડર બેટ્સમેન છેલ્લે ભારત માટે ફેબ્રુઆરી-2017માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. આ પહેલા તે ચેમ્પિયન ટ્રોફી 2017 અને બાદમાં વેસ્ટઈન્ડિઝ મુલાકાતે ગયેલી ભારતીય ટીમનો પણ હિસ્સો રહ્યો હતો. તેમણે પોતાની કારકિર્દીની આખરી વનડે મેચ 30મી જાન્યુઆ-2017ના રોજ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ એન્ટિગુઆમાં રમી હતી.
પોતાના આ રિટાયરમેન્ટનું એલાન યુવરાજે પ્રેસ કોન્ફરન્સમાં કર્યું છે. તેમણે જણાવ્યુ કે બાળપણથી મે મારા પિતાના દેશ માટે રમવાના સપનાને પૂર્ણ કરવાની કોશિશ કરી હતી. તેમણે પોતાના ક્રિકેટ કરિયરને યાદ કરતા કહ્યુ કે પોતાના 25 વર્ષના કરિયર અને ખાસ કરીને 17 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. હવે મે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ રમતે મને શીખવાડયું કે કેવી રીતે લડવાનું છે, પડવાનું છે, પછી ઉઠવાનું છે અને આગળ વધવાનું છે.
યુવીએ અહીં એક ક્રિકેટર તરીકે કામયાબ થવાનો શ્રેય પોતાના પિતાને આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે મે જિંદગીમાં ક્યારેય હાર માની નથી. મે મારા પિતાનું સપનું પૂર્ણ કર્યું છે.
ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ-2011ની જીતમાં તેઓ સૌથી મોટા હીરો સાબિત થયા હતા અને તે ટૂર્નામેન્ટમાં તેમણે બોલ અને બેટ બંનેથી પોતાને વારંવાર સાબિત કર્યા હતા. તે વિશ્વકપમાં તેમને શાનદાર ખેલ માટે મેન ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે નવાજવામાં આવ્યા હતા. આ વર્લ્ડ કપમાં તેમણે 362 રન અને 15 વિકેટ પોતાને નામ કરી હતી.
2007માં વર્લ્ડ ટી-20માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં છ છગ્ અને તે મેચમાં માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. આ ચેમ્પિયન ખેલાડીએ પોતાની ઈન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીમાં 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી-20 મેચ રમી છે. 304 વનડેમાં યુવરાજે ભારત માટે 301, જ્યારે બાકીની ત્રણ વનડે એશિયા ઈલેવન માટે રમી છે.
40 ટેસ્ટના 62 દાવમાં યુવીના નામે કુલ 1900 રન છે, જેમાં ત્રણ સદી અને 11 હાફ સેન્ચ્યુરી તેમના નામ પર છે. તો તેમની વનડે કારકિર્દીની વાત કરીએ, તો યુવરાજે 278 દાંવમાં કુલ 8701 રન પોતાને નામ કર્યા છે. તે વખતે તેમણે 14 સદી અને 52 અર્ધસદી કરી હતી. 58 ટી-20માં 1177 રન બનાવનારા યુવરાજના નામે આ ફોર્મેટમાં પણ હાફ સેન્ચ્યુરી નોંધાયેલી છે. તેમણે ટેસ્ટમાં કુલ 9, વનડેમાં 111 અને ટી-20માં 28 વિકેટ પોતાને નામ કરી છે.
વર્લ્ડકપ 2011 બાદ યુવરાજની તબિયત સાથે જોડાયેલા અહેવાલ આવ્યા હતા. તેના કારણે તેમના ફેન્સ અને ભારતીય ટીમમાં એક દુખની લાગણી ફેલાઈ હતી. યુવરાજસિંહના ફેંફસામાં કેન્સર ટ્યૂમર હોવાનું ડિટેક્ટ થયું હતું અને તેમને સારવાર માટે લાંબા સમય સધી ક્રિકેટથી દૂર રહેવું પડયું હતું. યુવરાજ આ ટ્યૂમરની પીડા સાથે જ વર્લ્ડ કપમાં રમ્યા હતા અને તેમણે ત્યારે આ વાત કોઈને જાણવા દીધી ન હતી. ત્યારે તે ભારત માટે દરેક મેચમાં ખુદને સતત સાબિત કરી રહ્યા હતા.
યુવરાજસિંહ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યા હતા. પરંતુ તેમને વધારે મોકો મળ્યો નહીં અને કદાચ તેના કારણે જ તેઓ પોતાની ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર્યા બાદ આ નિર્ણય પર પહોંચ્યા હશે.
મહત્વપૂર્ણ છે કે સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ પોતાની ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર યુવરાજસિંહ ગત બે વર્ષથી કોઈપણ ફોર્મેટમાં ક્રિકેટ રમી રહ્યા ન હતા. 12 ડિસેમ્બર-1981માં જન્મેલા યુવરાજ હાલ ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યા ન હતા.