રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનને ઝડપથી યુરોપિયન યુનિયનમાં સામેલ કરવા ઝેલેન્સ્કીની વિનંતી
નવી દિલ્હીઃ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ બ્રસેલ્સમાં એકત્ર થયેલા યુરોપિયન યુનિયનના નેતાઓને યુક્રેનને સંધમાં તાત્કાલિક સામેલ કરવાના આવેદન ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી તેમણે ખાસ કરીને જર્મની અને હંગેરીને અપીલ કરી હતી કે તેઓ ફેડરેશનમાં યુક્રેનની સદસ્યતાને રોકવાનો પ્રયાસ ન કરે. આનું કારણ એ છે કે હંગેરિયન પ્રમુખ ઓર્બનને EU નેતાઓમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના સૌથી નજીકના સાથી માનવામાં આવે છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ યુરોપિયન યુનિયનના નેતાઓને યુક્રેન માટેના સમર્થન અને રશિયા પરના પ્રતિબંધો માટે આભાર માન્યો હતો, ખાસ કરીને નવી નોર્ડ સ્ટ્રીમ 2 પાઈપલાઈન દ્વારા યુરોપને કુદરતી ગેસ પહોંચાડવાનું બંધ કરવાના જર્મનીના નિર્ણયની પ્રશંસા કરી હતી. જો કે, તેણે એ વાત પર પણ અફસોસ વ્યક્ત કર્યો કે જો આ નિર્ણયો પહેલા લેવામાં આવ્યા હોત તો રશિયાએ હુમલો કરતા પહેલા બે વાર વિચાર્યું હોત.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયાએ લગભગ એકાદ મહિના પહેલા યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા ઘણા દિવસથી બંને દેશ વચ્ચે સશસ્ત્ર અથડામણ ચાલી રહી છે. જેની ઉપર દુનિયાભરની નજર મંડાયેલી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ યુદ્ધ અટકાવવા અનેક વખત અપીલ કરી હતી. બીજી તરફ અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ રશિયા ઉપર આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. એટલું જ નહીં આગામી દિવસોમાં રશિયાની સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતાઓ છે.