Site icon Revoi.in

દેશમાં સૌથી વધુ ગુજરાતના 41556 ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ અને ડિફેક્ટ સર્ટિફિકેશન

Social Share

ગાંધીનગરઃ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ગુણવત્તાયુક્ત ઔદ્યોગિક ઉત્પાદન માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી સર્ટિફિકેશન પ્રોસેસ ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ અંતર્ગત ગુજરાતના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સૌથી વધુ પ્રમાણન થયું છે. ગુજરાત બાદ કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનનો ક્રમ આવ્યો છે. એમાંય વડોદરાના એક ઉદ્યોગે તો સતત સાત વખત ગોલ્ડ સર્ટિફિકેટ મેળવવાનો વિક્રમ નોંધાવ્યો છે.

ભારત સરકારના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટને ઝેડ યોજના નામે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ એમએસએમઇ ઉદ્યોગોને ઝેડ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યોગોમાં વેસ્ટેજ ઘટાડવા, માર્કેટનું વિસ્તાર કરવા, વીજળી અને કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને પર્યાવરણહિતેષી બનાવવા સાથે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આવા ઉદ્યોગોનું સર્ટિફિકેશન કરવામાં આવે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ યોજના અમલી છે.

એમએસએમઇ સર્ટિફિકેશન એક્સપર્ટ સુશ્રી સપના પંચાલે જણાવ્યું હતું. ઉદ્યોગો બેસ્ટ પ્રેક્ટિસ અપનાવે, વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે ઉત્પાદનના માપદંડોને બહેતર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ સર્ટિફિકેટ આપી તેને પ્રમાણિત કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર આઇએસઓ જેવું છે, પણ ભારત સરકાર હવે ઉદ્યોગો માટે ઝેડ આપશે. ઉક્ત ત્રણ પ્રકારના પ્રમાણપત્ર મેળવવા માટે સરકાર દ્વારા કેટલાક માપદંડો નિયત કરવામાં આવ્યા છે. જેમાં એમએસએમઇ ઉદ્યોગોએ પોતાના ઉત્પાદનની ગુણવત્તા, સુરક્ષા, સ્વચ્છ ઉત્પાદન પ્રક્રીયા, વીજળી અને પર્યાવરણ જેવા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગોને બેંક ક્રેડિટ, રેલ્વે નૂર, એક્સપોર્ટમાં ફાયદો થાય છે. વિદેશમાં આયોજિત સેમિનારમાં ભાગ લેવા સરકાર સહાય આપે છે.

સમગ્ર દેશમાં ગુજરાતમાં સોથી વધુ 41,556  ઉદ્યોગોને આ સર્ટિફિકેટ મળ્યું છે. તેમાં 68 ગોલ્ડ, 90 સિલ્વર અને 41,398  બ્રોંઝ સર્ટીફિકેટનો સમાવેશ થાય છે. એ બાદ કર્ણાટકમાં 35,281, બિહારમાં 17,622, મહારાષ્ટ્રમાં 11.647,  પંજાબમાં 11,166  અને રાજસ્થાનમાં 9,538  ઉદ્યોગોને પ્રમાણપત્ર મળ્યું છે. ગોલ્ડ સર્ટિફિકેટ મેળવવામાં બિહારમાં 74 બાદ ગુજરાત 67 ઉદ્યોગો સાથે દ્વિતીય છે.

ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ 9692 ઉદ્યોગો સાથે સૌથી આગળ છે. ત્યાં 9661 બ્રોંઝ, 10 ગોલ્ડ અને 21 સિલ્વર સર્ટીફિકેટ છે. અમદાવાદમાં 14 ગોલ્ડ, 13 સિલ્વર અને 8804 બ્રોંઝ મળી કુલ 8831  ઝેડ સર્ટીફિકેટ ધારકો છે. એ બાદ સુરતમાં 3 ગોલ્ડ, બે સિલ્વર અને 7674 બ્રોંઝ મળી કુલ 7679  ઉદ્યોગોનું સર્ટિફિકેશન થયું છે. આ જિલ્લાઓમાં સૌથી વધુ 23 સિલ્વર સર્ટિફિકેશન વડોદરામાં થયું છે, આ જિલ્લામાં 7 ગોલ્ડ અને 2168  બ્રોંઝ મળી કુલ 2198  ઉદ્યોગોએ ઝેડ સર્ટીફિકેશન કરાવ્યું છે.

વડોદરા માટે રસપ્રદ બાબત તો એ છે કે, વડોદરાના ગ્રિન સર્જીકલ લી. પાસે છેલ્લા સાત વર્ષથી ઝેડનું ગોલ્ડ સર્ટિફિકેટ છે. આખા ગુજરાત રાજ્યમાં માત્ર ૬૮ ગોલ્ડ સર્ટિફિકેટ ધારક ઉદ્યોગો છે અને એમાં ગ્રિન સર્જીકલ પાસે સતત વર્ષથી આ પ્રમાણપત્ર હોવું એ પણ એક સિદ્ધિ છે. તેમ વડોદરાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર  શક્તિસિંહ ઠાકોર કહે છે.