Site icon Revoi.in

જિલ્લા પંચાયતના પ્રમુખોને જમીનોના N Aની સત્તા નહીં અપાય પણ પગારમાં વધારો કરી અપાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેતીની જમીન બીન ખેતી કરવાની મંજુરીની સત્તા જિલ્લા પંચાયતો પાસે હતી. પરંતુ સરકારે જિલ્લા પંચાયતો પાસેથી આ સત્તા આંચકી લીધી હતી. તત્કાલિન સમયે ઘણી બધી જિલ્લા પંચાયતો કોંગ્રેસ પાસે હતી. હવે મોટાભાગની જિલ્લા પંચાયતો ભાજપની પાસે છે. ત્યારે જિલ્લા પંચાયતોને બીન ખેતીની એનએની સત્તા પુનઃ પરત આપવાની જિલ્લા પંચાયતોના પ્રમુખોની માગ ઊઠી છે. જો કે, મુખ્યમંત્રી ફરીવાર જિલ્લા પંચાયતોના પ્રમુખોને આવી સત્તા આપવા માગતા નથી એટલે જિલ્લા પંચાયતોના પ્રમુખો અને ઉપપ્રમુખોને રાજી કરવા માટે તેમના પગારમાં વધારો કરી આપવાનું આશ્વાસન અપાયું છે.

સૂત્રોના જમાવ્યા મુજબ  ગયા સપ્તાહે મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા પંચાયતના પ્રમૂખો અને ચૂંટાયેલા હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખો અને ઉપપ્રમુખોએ તેમને મળતા પગાર ભથ્થામાં વધારો કરવામાં આવે તેવી માગણી કરતા  જણાવ્યું હતું કે, હાલ તેઓને માસિક રૂ. 3300 પગાર પેટે અને વાર્ષિક ભથ્થા તરીકે રૂ. 80 હજાર મળે છે.  જોકે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ દર્શાવીને તેમના પગાર ભથ્થામાં વધારો કરવાનું મંજૂર રાખ્યુ છે. જિલ્લા પંચાયતોના પ્રમુખોએ  મુખ્યમંત્રી સમક્ષ એવી માગ પણ મુકી હતી કે, અગાઉ જમીન બિનખેતી કરવાની સત્તા જિલ્લા પંચાયતો પાસે હતી, તે કલેક્ટરોને આપવામાં આવી છે, પરંતુ હવે આ સત્તા જિલ્લા પંચાયત પ્રમુખોને પરત આપવી જોઈએ. આમ કરવાથી જિલ્લા પંચાયતની આવકમાં વધારો પણ થઈ શકશે અને પંચાયત પોતાના ખર્ચનો નિભાવ સારી પેઠે કરી શકશે. જો કે, મુખ્યમંત્રીએ આ મુદ્દે પ્રમુખોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ કિસ્સામાં સરકારે ખાસ કાયદો બનાવ્યો હોવાથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આ‌વશે નહીં. મુખ્યમંત્રીએ પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારોને સૂચના આપી હતી કે, સરકારના UNDP હેઠળ નક્કી કરાયેલાા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે પંચાયતોએ નિયત સમય મર્યાદા નક્કી કરીને તે માટે કામ કરવું જોઇએ. સરકારના બજેટમાંથી ફાળવાયેલા નાણાનો મહત્તમ સદુપયોગ કરીને ગ્રામીણ લોકોની સુખાકારી વધે અને જીવનધોરણ ઊંચું આવે તે મુજબ પોતાની કાર્યપ્રણાલી બનાવવી જોઇએ.